
સુરત, 23 ફેબ્રુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલાના નેતૃત્વમાં ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન/ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશનના ગૃપ ચેરમેન અમિષ શાહ અને કમિટી ચેરમેન હર્ષલ ભગત સહિતના પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી ખાતે અમેરિકાના ટોપ પાંચ ચેમ્બર ઓફ કોમર્સમાંથી એક ગણાતા ગ્વિનેટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ સીઇઓ નીક મસિનો સહિત 20 પ્રતિનિધિઓના ડેલીગેશન સાથે મુલાકાત કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ગ્વિનેટ ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે અમેરિકા અને સુરત વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધે તે હેતુથી એમઓયુ સાઇન કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે અમેરિકા અને સુરતના ઉદ્યોગકારોની ઉત્પાદન અને સેવાઓની કાર્યક્ષમતા અને સ્પર્ધાત્મકતામાં સુધારો કરવા તેમજ દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વધારવામાં આવશે.

દક્ષિણ ગુજરાત એમએસએમઇનું હબ છે ત્યારે આ ઉદ્યોગોને વધુ કાર્યક્ષમ બનાવવા હેતુ અને તેઓના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે તેઓ ટેકનોલોજી અપડેશન માટે નોલેજ શેરીંગ કરશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી એપ્રિલ–મે 2023 દરમ્યાન અમેરિકાના ડલાસ અને અટલાન્ટા ખાતે ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પો યોજાશે. આ એકઝીબીશનને સફળ બનાવવા હેતુ તેમણે સંપૂર્ણ સહકાર આપવા કટીબદ્ધતા દર્શાવી હતી. વધુમાં તેમણે કહયું હતું કે, અમેરિકા ખાતે ઇન્ડિયા ફર્નિચર એન્ડ ડેકોર એક્ષ્પોના આયોજન માટે અમેરિકાના ઉદ્યોગકારો આર. સી. પટેલ અને બોબી પટેલે ઘણો સહયોગ આપ્યો છે, આથી તેમણે તેઓનો પણ આભાર માન્યો હતો.આ એમઓયુને કારણે અમેરિકા તથા દક્ષિણ ગુજરાતના વ્યવસાયિકોને એકબીજા સાથે જોડવા તથા તેમના બિઝનેસ નેટવર્કને વિસ્તૃત કરવા અને તેમના વ્યવસાયનું એકસપોઝર વધારવાની તકો પૂરી પાડવામાં આવશે. સાથે જ બંને દેશોના આર્થિક સંબંધોને મજબૂત કરવા, વેપાર અને રોકાણને વધુ ઉદાર અને વિસ્તૃત કરવા, આર્થિક વૃદ્ધિમાં વધારો કરવા, કામદારો અને વ્યવસાય માટે નવી તકો ઊભી કરવા, જીવનધોરણમાં સુધારો કરવા અને સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહન આપવા માટે મજબૂત માળખું સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગ્વિનેટ ચેમ્બર ઓફ કોમર્સ અમેરિકામાં 2200 થી વધુ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે અને જાહેર નીતિની બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તદુપરાંત આ ચેમ્બર અમેરિકાના સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે વ્યવસાયોને મજબૂત કરી એકબીજાની સાથે જોડે છે. તેમના સભ્યો અમેરિકામાં એક્ષ્પોર્ટ તથા વેપાર કરનારા અન્ય દેશોના વેપારીઓને ડિસ્કાઉન્ટ પણ ઓફર કરે છે, આથી આ બધી બાબતોનો લાભ દક્ષિણ ગુજરાતના વાણિજ્યને ચોકકસપણે થઇ રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત