
સુરત, 23 ફેબ્રુઆરી : સુરતમાં નરથાણ ખાતે આવેલી સંસ્કારકુંજ જ્ઞાનપીઠની વિદ્યાર્થીની અને રબ્બર ગર્લ ઓફ ઇન્ડિયા તરીકે આગવી ઓળખ ધરાવતી અન્વી વિજય ઝાંઝરૂકિયાએ દિવ્યાંગ હોવા છતા યોગ ક્ષેત્રમા નેશનલ લેવલની સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, ત્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2022’ માટે સમગ્ર ભારતના 929 બાળકો પૈકી માત્ર 29 વિશિષ્ટ પ્રતિભા ધરવતા બાળકો પસંદગી પામ્યા હતા, જેમાં સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર અન્વી ઝાંઝરૂકિયાને ગત તા.24 જાન્યુઆરી 2022ના રોજ વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી આ એવોર્ડ એનાયત કરાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અન્વીને જ્યારે આ એવોર્ડ મળ્યો ત્યારે કોરોનાની વિકટ સ્થિતિ હોવાથી ઓનલાઇન એવોર્ડ સેરેમની યોજાઈ હતી. જેના કારણે સન્માનપત્ર, મેડલ, ટેબ્લેટ, વડાપ્રધાનના ઓટોગ્રાફવાળી રિસ્ટ વોચ વગેરે એવોર્ડી બાળકોને આપવાનું બાકી હોવાથી આજે આ તમામ સાહિત્ય દિલ્લી મંત્રાલય દ્વારા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ-ગાંધીનગરને મોકલી આપતા ગાંધીનગર સચિવાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં અન્વીને સચિવ જાદવ અને અને નાયબ સચિવની હાજરીમાં સન્માન સાહિત્ય અર્પણ કરાયું હતું.આ સન્માન અને સિદ્ધિ બદલ અન્વીને ઝાંઝરૂકિયા અને મેઘાણી પરિવાર, શાળાના સંચાલક પરેશ પટેલ અને પિયુષ પટેલ, યોગ કોચ નમ્રતા વર્મા, શાળા ક્ર.318 ના શિક્ષકો, શ્રીલેખા રેસિડેન્સીના શુભેચ્છકોએ શુભકામનાઓ પાઠવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત