
સુરત, 24 ફેબ્રુઆરી : સુરત શહેરના અઠવાલાઈન્સ સ્થિત ગોકુલમ ડેરી ખાતે 6 વર્ષ પહેલા સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સ(CGBM) ટેક્નોલોજીથી 120 મીટરનો ટ્રાયલ સેક્શન રોડ બનાવવામાં આવ્યો હતો. આજરોજ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને CRRI- સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટીટયુટના પૂર્વ વિભાગીય વડા મનોજ શુક્લાએ આ રોડની મુલાકાત લઈ તેની મજબૂતી અને ગુણવત્તા ચકાસવા માટે સ્થળ નિરીક્ષણ કર્યું હતું, જેમાં તેઓએ આ ટેકનોલોજીથી નિર્માણ પામેલા રોડ ટકાઉ હોવાથી અન્ય વિસ્તારો, શહેરોમાં પણ તેના નિર્માણનો પ્રયોગ કરી શકાય છે એવો મત વ્યક્ત કર્યો હતો.

મનોજ શુક્લાએ જણાવ્યું હતું કે, CGBM ટેક્નોલૉજીથી જૂન-2017માં સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં ટ્રાયલ સેક્શન માટે બનાવવામાં આવેલા રસ્તાની આજ સુધી કોઈ પણ પ્રકારની મરામત કરવાની જરૂર પડી નથી. સામાન્ય રીતે ચોમાસામાં પાણી ભરાવાથી ડામર રોડમાં ખાડા પડે છે, પરંતુ છ વરસાદી સિઝન પસાર થઈ હોવા છતાં અહીં ખાડા, તિરાડો કે ભંગાણ સર્જાયું નથી. દર વર્ષે અમારી સંસ્થા દ્વારા આ રસ્તાનું નિરક્ષણ કરવામાં આવે છે, જેના આધારે હજુ આવનારા 5 વર્ષ સુધી આ રોડનું મેન્ટેન્સ કરવાની જરૂર પડશે નહિ. કારણ કે રોડ બનાવવામાં મુખ્યત્વે ઓપન ગ્રેડેડ એગ્રીગેટ્સ જેવા મિશ્રણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સામાન્ય રીતે સિમેન્ટ, રેતી, ફ્લાય એશ, માઈક્રો સિલિકા, સુપર પ્લાસ્ટિસાઈઝર અને પાણીથી બનેલું હોય છે, જેથી રોડ મજબુત અને ટકાઉ બને છે.સુરત, વાપી અને વડોદરામાં આ પ્રકારના રસ્તા બનાવવાનું કાર્ય પ્રગતિમાં છે. જેમાં CRRI રિસર્ચ પાર્ટનર ડો.સુમન ચક્રવર્તી, SVNIT -સુરતના પ્રો.જી.જે.જોષી તથા મેટટેસ્ટ લેબોરેટરી-સુરતના એમ.ડી. વિશાલ રૈયાણી સહાયરૂપ બન્યા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત