
સુરત, 25 ફેબ્રુઆરી : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ફુડ અને એગ્રીટેક એક્ષ્પો-2023’ને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. મંત્રીએ ‘થાઈલેન્ડ વીક: રોડ શો-2023’ અંતર્ગત ‘થાઈ પેવેલિયન’ને પણ ખૂલ્લું મૂક્યું હતું, જેમાં થાઈલેન્ડના 40થી વધુ એક્ઝિબીટર્સ જોડાયા છે. આ સમારોહમાં DITP/થાઈ ટ્રેડ સેન્ટર-મુંબઈના એક્ઝિ. ડિરેક્ટર સુપાત્રા સ્વાએન્ગશ્રી અને કોન્સ્યુલેટ જનરલ ઓફ રિપબ્લીક ઓફ ઈન્ડોનેશિયા-મુંબઈના કોન્સ્યુલ જનરલ (ઈકોનોમિકસ) તોલ્હાહ ઉબૈદી ઉપસ્થિત રહ્યા હતા.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા ગુજરાત MSME કમિશનરેટ, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પો.લિ. અને નેશનલ એસસી-એસટી હબના સંયુક્ત ઉપક્રમે તા.25થી 27 ફેબ્રુઆરીદરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિ. એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો’નું ભવ્ય પ્રદર્શનનો પ્રારંભ થયો છે, જેમાં ફૂડ પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, બેકરીની આઈટમો, જ્યુસ અને પલ્પ નિર્માતા, ઓર્ગેનિક ફાર્મર્સ, નમકીન- વેફર્સ, ઈલેક્ટ્રોનિક, કૃષિ[બાગાયત, પશુપાલન સાથે સંકળાયેલા 115 જેટલા એક્ઝિબીટર્સ ભાગ લઈ રહ્યા છે.

આ પ્રસંગે મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, ‘ગામડું આબાદ તો દેશ આબાદ’ એ માત્ર કાગળ પરનું સૂત્ર ન રહેતા કેન્દ્ર સરકારના કૃષિ અને ગ્રામ્ય અર્થકારણ પ્રત્યેના હકારાત્મક અભિગમથી આ સૂત્રને જમીન પર સાકાર કર્યું છે. મંત્રીએ આ સંદર્ભે વાસ્તવિક આંકડાઓ આપતા જણાવ્યું કે, તત્કાલીન યુ.પી.એ. સરકારના શાસનમાં દસ વર્ષનું માત્ર કૃષિ બજેટ 1,17,000 કરોડ હતું, જ્યારે કૃષિ હિતને પ્રાધાન્ય આપતી અમારી સરકારે છેલ્લા 8 વર્ષમાં ખેડૂતોના ખાતામાં જ રૂ.2.20 લાખ કરોડની કિસાન સન્માન સહાય જમા કરાવી છે. ઉપરાંત આ વર્ષનું કૃષિ બજેટ રૂ.1.30 લાખ કરોડની ફાળવણી કરી છે. ભૂતકાળ અને વર્તમાન સરકારોની કામગીરીની અસરકારકતા આ આંકડાઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે એમ તેમણે કહ્યું હતું.દેશને સ્વતંત્ર થયા પછી તત્કાલીન સરકારે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રની અવગણના કરી હતી. વર્ષ 1947થી 2014 સુધી કુલ માત્ર રૂ.3680 રોડનો ખર્ચ કરાયો હતો. જેની સામે વર્તમાન કેન્દ્ર સરકારે સાગરખેડુઓના સર્વાંગી વિકાસ માટે PM મત્સ્ય સંપદા યોજના હેઠળ રૂ.20 હજાર કરોડ અને ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ’ (FIDF) રૂ. 7500 કરોડ પાત્ર એકમોને રાહતદરે ધિરાણ પૂરૂ પાડવા માટે ફાળવ્યા છે.ઓર્ગેનિક ખેતીના વધતા મહત્વને સ્વીકારી ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી અપનાવવી જરૂરી છે. વિશ્વની ઓર્ગેનિક માંગને પૂરી કરવા ભારત સક્ષમ છે. વિદેશમાં કૃષિ ઉત્પાદન બાદ ફૂડ પ્રોસેસિંગનું પ્રમાણ 40 ટકા છે, પરંતુ ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોનું પ્રમાણ માત્ર 6 ટકા છે. જેથી આ ક્ષેત્રમાં વ્યાપાર અને વિકાસની અપાર સંભાવનાઓ છે. શ્રી અન્ન (મિલેટસ)ની મહત્તા અને ન્યુટ્રીશન વેલ્યુને વિશ્વએ સ્વીકારી છે, અને તેના સેવન તરફ વિશ્વના દેશો આકર્ષાયા છે.

રૂપાલાએ કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો માટે માર્કેટિંગ પર ભાર મૂકતા કહ્યું કે, ભારતીય કૃષિ વ્યવસાયને વિકાસની રાહ પર લઈ જવા માટે સુદ્રઢ માર્કેટિંગ જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના મહત્તમ વિનિયોગને પ્રાથમિકતા આપી છે.

પ્રાસંગિક ઉદ્દબોધન કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય તેમજ આગવી સૂઝબૂઝ થકી દેશ કૃષિ ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. રાજ્ય સરકારના એક વર્ષના બજેટ જેટલું ગુજરાતના સહકારી ક્ષેત્રનું ટર્ન ઓવર છે. કૃષિ એ માત્ર વ્યવસાય નહીં, પરંતુ જીવનશૈલી છે. કૃષિ પ્રકૃતિ સાથેનો સમન્વય છે. આધુનિક ટેકનોલોજીના દુષપરિણામ જોવા મળ્યા છે, ત્યારે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પાછું ફરવું જ પડશે. ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસ, આહારની વ્યવહારૂ આદતો, સાદી અને સરળ દિનચર્યાનું આગવું અને વૈજ્ઞાનિક મહત્વ છે, જે માનવીની ભૌતિક સુખો તરફ દોટને અટકાવી સાચી શારીરિક અને માનસિક શાંતિ જાળવવાનો સંદેશ આપે છે.આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ, ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓને વ્યાપાર અને અભ્યાસની ઉજળી તક અને પ્લેટફોર્મ મળી રહેશે.આયોજકોને અભિનંદન પાઠવું છું.

સ્વાગત પ્રવચન કરતા ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાત કૃષિ અને સહકાર ક્ષેત્ર માટે હબ સમાન છે. ચેમ્બર દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહે અને ઉદ્યોગપતિઓ તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્સ કૃષિ ઉદ્યોગમાં યોગદાન આપી શકે અને તે હેતુથી પણ આ પ્રદર્શન યોજાઈ રહયું છે. બિયારણથી લઈને બજાર સુધીની કૃષિ શ્રૃંખલા જોવા મળશે, જે કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને ગુણવત્તા વધારવાની યોગ્ય તક મળશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લિખિત સંદેશ પાઠવ્યો હતો અને પ્રદર્શનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આ વેળાએ મંત્રી અને મહાનુભાવો દ્વારા ‘એક્ઝિબિટર્સ ગાઈડ’ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.ચેમ્બરના ઉપપ્રમુખ રમેશવઘાસિયાએ આભારવિધિ કરતા આ પ્રદર્શન કૃષિ અને ખાદ્ય ક્ષેત્ર માટે વ્યાપારની નવી દિશા આપશે એવો મત વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ડે.મેયર દિનેશ જોધાણી, ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોના ચેરમેન કે.બી.પિપલીયા ઉદ્યોગ અગ્રણીઓ દિનેશ નાવડિયા, મનહર સાસપરા, ઉદય શેટ્ટી, સહિત દક્ષિણ ગુજરાતના કૃષિ અને ખાદ્ય ઉદ્યોગ સાહસિકો, એક્ઝિબીટર્સ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત