સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો

સામાજીક
Spread the love

સુરત, 26 ફેબ્રુઆરી : ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે સિવિલ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન પ્રશંસા સહ અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહરાજ્યમંત્રી અને ધારાસભ્ય સંગીતા પાટીલના હસ્તે અંગદાન કરનાર 16 પરિવાર તથા અંગદાન સમયે ફરજ બજાવતા 47 કર્મીઓનું સન્માન કરાયું કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન સિવિલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ નાટક રજૂ કરી અંગદાનનું મહત્વ અને જાગૃત્તિનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે સિવિલ હોસ્પિટલ સાથે એક અલગ પ્રકારનો સંબધ રહ્યો છે, સિવિલના આંગણામાં સુખઃદુખની અનેક ઘટનાઓના સાક્ષી થયો છું, ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર અંગદાન તરફ આગેકુચ કરી સીમાચિહ્નરૂપ કામગીરી કરી રહ્યું છે, જે સરાહનીય છે. છેલ્લા 6 મહિનામાં 18 પરિવારોએ સ્વજન બ્રેન ડેડ થવાના કિસ્સામાં સિવિલ હોસ્પિટલના સહયોગથી અંગદાન કર્યું છે એનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું કે, અંગદાતા પરિવારોની માનવસેવા શબ્દોમાં ન આંકી શકાય એટલી અમૂલ્ય છે. આ 18 પરિવાર ઈશ્વરીય દૂતો છે,જેમણે અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે. દુ:ખની ઘડીમાં પણ સમયસર, યોગ્ય અને સાચો નિર્ણય લઈને અન્ય દર્દીઓના જીવનમાં ઉજાસ પાથરવામાં નિમિત્ત બન્યા છે .પોતાના સ્વજનોનું અંગદાન કરવા માટે તૈયાર થાય છે.આ પરિવારને રાજ્યના નાગરિક તરીકે વંદન કરું છું એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે પોલીસ વિભાગની ફરજની સરાહના કરતા ઉમેર્યું કે, દાનમાં મળેલા ઓર્ગનને એક સ્થાનેથી બીજા સ્થાને ટ્રાન્સફર કરતા સમયે પ્રત્યેક ક્ષણ મહત્ત્વની હોય છે. જેમાં સમગ્ર રસ્તાને ક્લિયર કરીને ઓર્ગન લઈ જતા વાહન માટે ગ્રીન કોરિડોર બનાવી તમામ સિગ્નલ ગ્રીન કરી દેવામાં આવે છે, જેથી એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલનું અંતર ટૂંકા સમયગાળામાં પહોંચી શકાય. ગ્રીન કોરિડોર માટે લોકલ ઓથોરિટી તેમજ પોલીસના કોઓર્ડિનેશન બદલ શહેર પોલિસ ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા.

વધુમાં સંઘવીએ ‘અંગદાન.. મહાદાન..’ની ઉક્તિને સાર્થક કરી નવી સિવિલ હોસ્પિટલ અંગદાન જાગૃત્તિના કાર્યમાં મહત્વનું યોગદાન આપી રહી છે એમ જણાવી આ કાર્યમાં સહભાગી બની રહેલા નવી સિવિલના તંત્રવાહકો, બ્રેન ડેડ સ્વજનોના પરિવારને દુ:ખના સમયમાં યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપી અંગદાન માટે પ્રેરિત કરતી સિવિલની કાઉન્સેલિંગ ટીમ, તબીબો,નર્સિંગ સ્ટાફ, સિક્યુરીટી, ડ્રાઈવરો, પોલીસ વિભાગના મહત્વપુર્ણ ફરજ અને સેવાને બિરદાવી બહુમાન કર્યું હતું.

આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલિપ દેશમુખ, ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સના વાઈસ ચાન્સેલર ડો.પ્રાંજલ મોદી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ એસો.ના ઈકબાલ કડીવાલા, ટી.બી.વિભાગ વડા ડો.પારૂલ વડગામા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.કાંતા પટેલ, પ્લાસ્ટીક સર્જન ડો. નિલેશ કાછડિયા, તબીબો, હેડનર્સ, સ્ટાફનર્સ, વોર્ડબોયઝ, પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *