
સુરત, 26 ફેબ્રુઆરી : સુરત શહેરના એરપોર્ટ પરથી રવિવારે સવારે 8 વાગ્યે દિલ્હી જવા રવાના થયેલી ઇન્ડિગોની ફલાઇટને અધવચ્ચે બર્ડ હિટ થયું હતું.આ ઘટનાને કારણે સમગ્ર તંત્ર સાબદું થયું હતું અને ઇન્ડિગોની આ ફ્લાઇટને તાત્કાલિક રીતે ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવી હતી.જોકે, સદનસીબે કોઈ ખુવારી થઇ ન હતી અને તમામ લોકો સુરક્ષિત રીતે અમદાવાદથી દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
સુત્રોથી મળેલી જાણકારી મુજબ સુરત એરપોર્ટ પરથી રવિવારે સવારે 8 કલાકે ઇન્ડિગોની ફલાઇટ દિલ્હી જવા રવાના થઇ હતી.સવારે 9:05 કલાકે બર્ડ હીટ થવાની ઘટના બની હોવાની જાણ તંત્રને મળી હતી.ફ્લાઇટના પાયલોટે પહેલા તો બધું જ બરાબર છે તેમ જણાવ્યું હતું. પરંતુ, બાદમાં એન્જિનમાં ખામી હોવાનું જણાય આવતા ફરીથી તેણે માહિતી આપી હતી. તાત્કાલિક અસરથી ફ્લાઇટને ડાઈવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.ફ્લાઇટને એકાએક અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવતી મુસાફરો ચિંતામાં મુકાયા હતા.જોકે, અમદાવાદ એરપોર્ટ પર સલામત રીતે ફ્લાઇટને લેન્ડિંગ કરવામાં આવતા તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.આ તમામ મુસાફરોને VT-IAN (A320ceo) દ્વારા દિલ્હી પરત લઈ જવામાં આવ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત