
સુરત, 26 ફેબ્રુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા એમએસએમઇ કમિશ્નરેટ, ગુજરાત રાજ્ય, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને નેશનલ એસસી–એસટી હબના સહયોગથી 25 ફેબ્રુઆરી-2023થી 27મી ફેબ્રુઆરી-2023 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– 2023’નું ભવ્ય પ્રદર્શન યોજાયું છે, જેને શહેરીજનોનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહયો છે. આથી આવતીકાલે સોમવારે એક કલાકનો સમય વધાર્યો હોવાથી એકઝીબીશન સવારે 10 થી સાંજે 7 કલાક સુધી ખૂલ્લું રહેશે.જેમાં ઉપલબ્ધ 600થી વધુ ખાણીપીણીની વસ્તુઓ ખરીદવા લોકોની ભારે ભીડ ઉમટી રહી છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં મહિલાઓને ગૃહઉદ્યોગથી લઇને યુવા ઉદ્યોગ સાહસિકોને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં નવું સાહસ કરવા સુધીનું માર્ગદર્શન કેટલાક સ્ટોલ પરથી મળી રહયું છે. વ્યવસાય શરૂ કરવા માટે બેંકો દ્વારા અપાતી લોન અંગેની માહિતી પણ પ્રદર્શનમાં આપવામાં આવી રહી છે.ખાસ કરીને યુવા ઉદ્યોગ સાહસિકોને બેકરી પ્રોડકટ બનાવવા માટે નાનો વ્યવસાય શરૂ કરવો હોય તો એના માટે રૂપિયા 3 લાખથી લઇને રૂપિયા 10-15 લાખ સુધીના પ્રોજેકટ સંબંધિત માહિતી પણ પ્રદર્શનમાં મળી રહી છે. બેકરી પ્રોડકટ બનાવવા માટે મશીનરીની માહિતી યુ–ટયુબ ઉપર સર્ચ કરતા યુવાનોને આ પ્રદર્શનમાં રૂબરૂ પ્લાન્ટ નાંખવા માટે તથા બેકરીના વિવિધ પ્રોડકટ્સ સંબંધિત માહિતી મળી રહી છે.લોકો હવે ઓર્ગેનિક ફૂડ તરફ આકર્ષાઇ રહયાં છે. ઓર્ગેનિક ચોખા, નાગલી, આખા અડદ, અડદની દાળ, ભગર (મોરૈયો), ખરસાણી, બાજરી, જુવાર અને રાગી વિગેરેનું સીધું વેચાણ પ્રદર્શનમાં કરવામાં આવી રહયું છે, જ્યાં મોટાભાગે સુરતીઓની ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત નમકીન અને બેકરીની આઇટમોમાં સ્ટોલધારકો દ્વારા વિવિધ ઓફર આપવામાં આવતા લોકોની ભારે ભીડ જામી રહી છે.ભારત સરકાર દ્વારા મિલેટ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે, આથી આ પ્રદર્શનમાં મિલેટ્સમાં જે કુદરતી ખેત પેદાશોનો સમાવેશ કરાયો છે તેમાંથી મોટા ભાગના ખેત પેદાશોનું પ્રદર્શન તેમજ સીધું વેચાણ કરવામાં આવી રહયું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં પ્રથમ દિવસે 2500 જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. જ્યારે આજે રવિવારે બીજા દિવસે 8200થી વધુ લોકોએ પરિવારની સાથે મુલાકાત લીધી હતી. બે દિવસમાં કુલ 10700 જેટલા લોકોએ પ્રદર્શનની મુલાકાત લઇને ખરીદી કરી હતી.
વધુમાં તેમણે કહયું કે, થાઇ પેવેલિયનમાં થાઇલેન્ડના ઘણા એકઝીબીટર્સે બીટુબી ધોરણે બિઝનેસ કરવાનો રસ દર્શાવ્યો છે. આ એકઝીબીટર્સ થાઇલેન્ડની મોટી કંપનીઓ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુટર તથા ડીલર નિમવાની ઈચ્છા પણ ધરાવે છે, આથી બીટુબી ધોરણે તેનો લાભ લેવા માટે પણ ડિસ્ટ્રીબ્યુટર અને ડીલરોને અનુરોધ કરવામાં આવે છે.
ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– 2023ના ચેરમેન કે. બી. પિપલીયાએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં પોલીહાઉસ/નેટહાઉસમાં સોઈલલેસ કલ્ચર (હાઇડ્રોપોનિકસ પદ્ધતિ), એકવાપોનિક, ગ્રીનહાઉસ/ટીસ્યુ લેબ, કોલ્ડ સ્ટોરેજ, ડ્રાય ફ્રોઝન ખાણીપીણીની ચીજવસ્તુઓ, ફૂડ પ્રોડકટને લગતી મશીનરી અને સર્વિસિસ, ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરી, ઓર્ગેનિક ફૂડ, ફૂડ પ્રોસેસિંગ માટે સોફટવેર સર્વિસિસ, મસાલા અને રેડી મેઇડ ફૂડનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. ખેડૂતોને સીધો લાભ થાય તે હેતુસર બનાવવામાં આવેલા ટીટોડી નામના સોફટવેર વિષે પણ પ્રદર્શનમાં માહિતી અપાઇ રહી છે. ભારતભરમાં કોઇપણ ખેડૂત પાસેથી રસાયણમુકત પ્યોર ઓર્ગેનિક ખેત પેદાશો ખરીદી શકાય એવું પ્લેટફોર્મ આ સોફટવેર પૂરું પાડે છે. ટીટોડી એપથી ફૂડ એ ઓર્ગેનિક છે કે નહીં? તે પણ તપાસી શકાય છે અને ત્યારબાદ ખરીદદારની ખેડૂત અને ઓર્ગેનિક ફૂડના સપ્લાયર્સ સાથે વન ટુ વન વાતચીત થાય છે. આ માધ્યમથી ખરીદવામાં આવતા ઓર્ગેનિક ફૂડનું પેમેન્ટ સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત