સુરત : ચેમ્બર દ્વારા સરસાણા ખાતે યોજાયેલા ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોનું સમાપન, 18 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

વેપાર જગત
Spread the love

સુરત, 27 ફેબ્રુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા એમએસએમઇ કમિશ્નરેટ, ગુજરાત રાજ્ય, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને નેશનલ એસસી–એસટી હબના સહયોગથી 25થી 27 ફેબ્રુઆરી-2023 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– 2023’નું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું. જેનું આજરોજ સમાપન થયું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં બીટુબી સેગ્મેન્ટમાં સ્ટોલધારકોને 50 થી 1200 સુધીની બીટુબી ઇન્કવાયરી જનરેટ થઇ હતી. જ્યારે બીટુસીમાં રિટેઇલ કાઉન્ટરમાં સારામાં સારો બિઝનેસ મળ્યો હતો. શહેરીજનોના મળેલા જબરજસ્ત પ્રતિસાદને પગલે દરેક સ્ટોલધારકને ધાર્યા કરતા પણ વધુનો બિઝનેસ મળતા તેઓ ખુશખુશાલ થઇ ગયા હતા, આથી આગામી વર્ષે યોજાનારા ફૂડ એન્ડ એગ્રી ટેક એક્ષ્પો– 2024માં તેઓએ અત્યારથી જ એડવાન્સ બુકીંગ માટે તૈયારી દર્શાવી હતી.ભારત સરકાર દ્વારા મિલેટ્‌સને પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે, આથી આ પ્રદર્શનમાં મિલેટ્‌સમાં જે કુદરતી ખેત પેદાશોનો સમાવેશ કરાયો છે તેમાંથી મોટા ભાગના ખેત પેદાશોનું પ્રદર્શન કરાયું હતું. ઓર્ગેનિક ચોખા, નાગલી, આખા અડદ, અડદની દાળ, ભગર, ખરસાણી, બાજરી, જુવાર અને રાગી વિગેરેનું સીધું વેચાણ પ્રદર્શનમાં થયું હતું. પ્રદર્શનની મુલાકાત લેનારા મોટા ભાગના શહેરીજનોનો ઝૂકાવ ઓર્ગેનિક ફૂડ તરફ જોવા મળ્યો હતો.નમકીન અને બેકરીની આઇટમોમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની મોટાપાયે ખરીદી નીકળતા એકઝીબીટર્સને સારો બિઝનેસ મળ્યો હતો. પ્રદર્શનમાં સ્ટોલધારકો દ્વારા બાય વન ગેટ વન ફ્રી તથા 10 ટકાથી લઇને 50 ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવતા ત્રણ દિવસ દરમિયાન લોકોની ભારે ભીડ જામી હતી. સુરત તથા ગુજરાતમાંથી જ નહીં પણ મહારાષ્ટ્રના મુંબઇ ખાતેથી પણ લોકોએ પ્રદર્શનનો લાભ લઇ વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. જેને કારણે ત્રણ દિવસ દરમિયાન 18200 લોકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

પહેલો દિવસ– 2500
બીજો દિવસ– 8200
ત્રીજો દિવસ– 7500

થાઇ પેવેલિયનમાં થાઇલેન્ડના ઘણા એકઝીબીટર્સને સારો બિઝનેસ મળ્યો હતો. થાઇ એકઝીબીટર્સ દ્વારા ફૂડ પ્રોડકટ, હેન્ડીક્રાફટ, કોસ્મેટીક આઇટમ વિગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેઓને બીટુબી ધોરણે પણ બિઝનેસ મળ્યો હતો અને કેટલાક એકઝીબીટર્સને થાઇલેન્ડની મોટી કંપનીઓ માટે સુરતમાંથી ડિસ્ટ્રીબ્યુટર તથા ડીલર પણ મળ્યા હતા.
ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– 2023ના ચેરમેન કે. બી. પિપલીયાએ જણાવ્યું હતું કે એકઝીબીશનમાં ભાગ લેનારા પાર્ટીસિપેટ્‌સને રિટેઇલમાં સારી ઓફરને કારણે ઘણો લાભ થયો છે. કંપનીઓને ફ્રેન્ચાઇજી અને ડીલર્સ માટેની ઇન્કવાયરી જનરેટ થઈ હતી. સાથે જ ડિલરોને વિવિધ કંપનીઓ તરફથી સીધી ઓફર થઇ હતી. પાણીને પીવાલાયક અને ખેતીલાયક બનાવનારી કંપનીને ઇન્ડસ્ટ્રી તેમજ કૃષિ ક્ષેત્રની સાથે સંકળાયેલા સાહસિકો તરફથી સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.સરકારી તેમજ ખાનગી બેંકોને ઉદ્યોગ સાહસિકો તેમજ શહેરીજનો તરફથી લોન માટે સારી લીડ મળી હતી. આ ઉપરાંત આ પ્રદર્શનમાં પોલીહાઉસ/નેટહાઉસમાં સોઈલલેસ કલ્ચર (હાઇડ્રોપોનિકસ પદ્ધતિ) માટે ઘણી ઇન્કવાયરી જનરેટ થઇ હતી. ખાસ કરીને શહેરીજનોએ હાઇડ્રોપોનિકસ પદ્ધતિથી કીચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન, બાલ્કની ગાર્ડન અને ફાર્મ હાઉસ ખાતે ગાર્ડન બનાવવા માટે ઘણી ઈન્કવાયરી જનરેટ થઇ હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *