
સુરત, 2 માર્ચ : રાજ્યના મહિલા આને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર-સુરત સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પીપલોદ સ્થિત સી.કે.પીઠાવાલા ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ”ની થીમ પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ તજજ્ઞો દ્વારા જાતિગત હિંસા, મહિલાલક્ષી યોજનાઓ, ડિજિટલ સેફટી જેવા વિષયો પર મહિલાઓને માર્ગદર્શન અપાયું હતું.

કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટર સંચાલક મમતાબેન કાકલોતર દ્વારા જાતિગત હિંસા ,તેના સ્વરૂપો અને અસર અંગે મહિલાઓને જાગૃત કરી જ વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપી હતી.વધતાં જતાં સાયબર ફ્રોડને ધ્યાને લઈ સાયબર સેલના હેડ કોન્સ્ટેબલ પૂનમબેને ડિજિટલ સેફટી અને સિક્યોરીટી વિષે સમજ આપી હતી. એડવોકેટ શોભનાબેન છાપિયાએ બદલાતા સમાજમાં મહિલાઓને પ્રાધાન્ય આપતા ‘દીકરો-દીકરી એક સમાન’ વિષય પર વિશેષ જ્ઞાન પીરસ્યું હતું. આ પ્રસંગે સખી વન સ્ટોપ સેન્ટર, સાયબર સેલના કર્મચારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત