સુરત : સરસાણા ખાતે ટેક્ષ્ટાઇલ મશીનરીનું સૌથી વિશાળ ત્રિદિવસીય પ્રદર્શન ‘સીટમે 2023′ યોજાશે

વેપાર જગત
Spread the love

સુરત, 2 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. 04/03/2023થી 06/03/2023 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે 2023 ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશન શનિવાર, તા.4 માર્ચથી સોમવાર તા. 6 માર્ચ 2023 દરમિયાન સવારે 10 થી સાંજે 6 કલાક સુધી ખુલ્લું રહેશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સુરત એ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે આગામી દિવસોમાં ટેક્ષ્ટાઇલમાં વેલ્યુ એડીશન કરવા હેતુસર તેમજ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. ટેક્ષ્ટાઇલમાં હાઇસ્પીડ મશીનરી થકી ઉત્પાદીત થતું કાપડ આવનારા દિવસોમાં બ્રાન્ડ બની રહેશે. જેને પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે.ડિજીટલ પ્રિન્ટીંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે. ભવિષ્યમાં ડિજીટલ પ્રિન્ટીંગની ડિમાન્ડ રહેશે. ડિજીટલ પ્રિન્ટીંગમાં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડીશન કરી વેપારીઓ કાપડમાં સારુ માર્જીન મેળવી શકશે. માત્ર મેન્યુફેકચરર્સ જ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થશે.તદુપરાંત એકઝીબીશનમાં એમ્બ્રોઇડરી મશીનરીની નવી ટેકનોલોજીના હાઇસ્પીડ મશીન પ્રદર્શિત કરવામાં આવશે. જેથી સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટને વધુ વેગ મળી રહેશે. આ પ્રદર્શનથી સુરતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીઓના જૂના ડીલરોને બુસ્ટઅપ તો મળશે જ પણ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે. આથી સમગ્ર ટેક્ષ્ટાઇલ મશીનરી ઉદ્યોગને નવી દિશા મળી રહેશે.‘સીટમે’ના આયોજનમાં ચેમ્બરની સાથે સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન જોડાયું છે. પ્રદર્શનના આયોજનમાંં ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગની સાથે સંકળાયેલા લોકોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. આવનારા વર્ષોમાં આ ઉત્સાહ ઉત્તરોત્તર વધતો રહે તે જરૂરી છે. કારણ કે, એનાથી સુરતની અર્થ વ્યવસ્થા વધુ મજબૂત બની શકશે. આ પ્રદર્શન માટે ચેમ્બર અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સીટમે પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, 4 માર્ચ-2023ના રોજ સવારે 10 કલાકે પ્લેટિનમ હોલમાં યોજાશે. જેમાં ઉદ્ઘાટક તરીકે ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પધારશે અને તેમના વરદ હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ (આઇ.એ.એસ.) અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ સંંદીપ દુગ્ગલે જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે અસરકારક રજૂઆતો કરતી ચેમ્બર ઓફ કોમર્સ એ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરે છે. આથી ચેમ્બરની સાથે મળીને આ એકઝીબીશનનું આયોજન કરવાનું નકકી કરાયું હતું. અગાઉ એક વખત જાન્યુઆરી– 2020માં સીટમે એકઝીબીશન યોજાયું હતું. આ વર્ષે પણ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલની અત્યાધુનિક મશીનરીઓને પ્રદર્શિત કરવામાં આવશે.
સીટમે– 2023 એકઝીબીશનના ચેરમેન વિજય મેવાવાલાએ એકઝીબીશન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરસાણા ખાતે 1 લાખ 25 હજાર સ્કવેર ફૂટ એરીયામાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત અને અમદાવાદના 60 જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. સુરત અને અમદાવાદ ઉપરાંત દિલ્હી, ચંડીગઢ, કોલકાતા, તિરુપુર, લુધિયાના, અમૃતસર, પાનીપત, જયપુર, ભીવંડી અને માલેગાવ સહિત ભારતભરમાંથી બાયર્સ આ પ્રદર્શનની મુલાકાત લેશે.દેશભરમાંથી 15 હજાર જેટલા બાયર્સે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આથી ત્રણ દિવસમાં એકઝીબીશનમાં 20 હજારથી વધુ બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે. એકઝીબીશનમાં પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે.

એકઝીબીશનમાં નીચે મુજબની ટેક્ષ્ટાઇલ મશીનરી પ્રદર્શિત કરાશે

ડિજિટલ પ્રિન્ટીંગ મશીન, એમ્બ્રોઇડરી મશીન, ફયુઝન મશીન્સ, કોમ્પ્યુટરાઇઝ એમ્બ્રોઇડરી મશીન, ડાયટ ફેબ્રિક પ્રિન્ટર, ટી શર્ટ પ્રિન્ટીંગ મશીન, બધા પ્રકારના પ્રિન્ટીંગ ઇન્ક, સકર્યુલર નિટિંગ મશીન, – નીડલ લૂમ્સ મશીન, રોલ ટુ રોલ મશીન, એપેરલ એસેસરીઝમાં એમ્બ્રોઇડરી થ્રેડ, એમ્બ્રોઇડરી ઓઇલ, એમ્બ્રોઇડરી કન્ટ્રોલ સિસ્ટમ, એમ્બ્રોઇડરી ડિઝાઇન સોફટવેર, એપેરલ મશીન્સ તથા તેના સંબંધિત સર્વિસિસ

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *