
સુરત , 4 માર્ચ : ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ થાય અને તેમનું આર્થિક ઉત્થાન થાય એ હેતુથી ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.ના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરના અડાજણ ખાતે તા.3થી 13 માર્ચ દરમિયાન આયોજિત ‘સરસ મેળા’નો પ્રારંભ આજ રોજ મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જુથો (સખીમંડળો)ને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમના દ્વારા ઉત્પાદિત કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી આ જૂથોને પ્રોત્સાહિત કરવાના આશયથી મનપા પાર્ટી પ્લોટ, જ્યોતીન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં, અડાજણ ખાતે ‘સરસ મેળો’ યોજાઈ રહ્યો છે તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ જણાવ્યું હતું. તેમણે શહેરની જનતાને આ મેળાની અવશ્ય મુલાકાત લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના એમ.ડી. મનિષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી. પ્રજાપતિ, ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ સહિત ગ્રામ્ય સખી મંડળોના પ્રમુખ તથા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.ના અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

દેશના વિવિધ રાજ્યોના ૫૦ સ્ટોલ તેમજ ગુજરાતના જિલ્લાઓના 100 જેટલા સ્ટોલ્સ
સરસ મેળામાં આર્ટીસન સ્ટોલ્સ, કિડ્સ ઝોન, કલ્ચરલ પ્રોગ્રામ, લાઈવ ફુડ સ્ટોલ્સ તેમજ હસ્તકલા, હેન્ડલૂમ સહિતની કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કેરળ સહિતના રાજ્યોના ૫૦ તથા ગુજરાતના વિવિધ જિલ્લાના ૧૦૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ મેળામાં બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ ઈનોવેટિવ પ્રોડક્ટ અને બેસ્ટ સેલર, ડિજીટલ પેમેન્ટને પ્રાધાન્ય આપતા સ્ટોલને પુરસ્કાર અપાશે.

મીડિયા સાથે અયોગ્ય વર્તન
અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ સરસ મેળાનો પ્રારંભ તો 3જી માર્ચથી થઇ ગયો છે અને આજ દિવસે લોકોએ ધૂમ ખરીદી પણ કરી હતી.ત્યારે, આજે 4થી માર્ચના રોજ બીજા દિવસે આ મેળાનો પ્રારંભ કેમ કરાયો ? તે એક ચર્ચાનો વિષય બન્યો હતો. બીજી તરફ આ કાર્યક્રમ સાંજે 5:30 કલાકે થવાનો હતો. તે પણ એક કલાક જેટલો મોડો શરૂ થયો હતો.1 કલાક કરતા વધુ સમય સુધી કાર્યક્રમ ઉપસ્થિત રહેલા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના એમ.ડી. મનિષકુમાર બંસલે કાર્યક્રમના અંતમાં જયારે મીડિયાકર્મીઓએ તેમના પ્રતિભાવો આપવા જણાવ્યું ત્યારે, અમારા માર્કેટિંગના માણસોના ઇન્ટરવ્યૂ લઈ લો. તેવું જણાવીને મીડિયાકર્મીઓ માટે સમય નો હોય તેવું દર્શાવીને ચાલતી પકડી હતી.જેને લઈને મીડિયાકર્મીઓમાં પણ નારાજગી થઇ હતી.જોકે, બાદમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિએ બાજી સાંભળી લઈને મીડિયાકર્મીઓને સમગ્ર મેળાના આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત