આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે માંડવી તાલુકાના કાછિયાબોરી ગામે ડામર રોડનું ખાતમુહૂર્ત કરાયું

સ્થાનિક
Spread the love

સુરત, 5 માર્ચ : આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે રૂ.13 લાખના ખર્ચે કાછિયાબોરી ગામે નહેરથી સ્મશાનને જોડતા ડામર રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ રસ્તાનું ટ્રાઇબલ સબ પ્લાન માંડવી દ્વારા રૂ.4 લાખ, 15મા નાણાપંચમાં જિલ્લા કક્ષાએ રૂ.5 લાખ અને એટીવીટી યોજના 2023-24 અંતર્ગત રૂ. 4 લાખ મળી કુલ રૂ.13 લાખના ખર્ચે નહેરથી સ્મશાન સુધીનો રસ્તો નિર્માણ પામશે. જેનાથી સ્થાનિક ગ્રામજનોને મુસાફરી, અવરજવર અને ખેતપેદાશના વહન માટે સુવિધા મળશે.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, કાછિયાબોરીમાં વધુ સુવિધાઓ ઉભી થાય તેના ભાગરૂપે રૂ.5 લાખના પેવર બ્લોકનું કામ કરવામાં આવશે. જેથી ગ્રામજનોને ચોમાસા દરમિયાન કાદવની સમસ્યાનો સામનો ન કરવો પડે. સાથે અન્ય વિકાસના કામોને પણ વેગ આપવામાં આવશે. આ ગામ આવનાર દિવસોમાં વિકસિત ગામ તરીકે વિકાસના દીપકથી ઝગમગશે.

આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિત પટેલ, મઢી સુગર ડાયરેક્ટર દિનેશભાઈ, તાલુકા પંચાયતના એસ.ઓ. સુનિલ ગામીત, સમાજ અગ્રણીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *