
સુરત, 5 માર્ચ : 8 માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ઉપલક્ષ્યમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બારડોલી સ્થિત લેઉવા પાટીદાર સમાજ હોલ ખાતે જિલ્લા કક્ષાનઆંતરારાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં વ્હાલી દીકરી અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થી બહેનોને સહાય મંજૂરી હુકમો તેમજ ગંગા સ્વરૂપા પુન: લગ્ન અને મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને સહાય રકમના ચેકોનું વિતરણ અને સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ વિવિધ ક્ષેત્રે સિદ્ધિપ્રાપ્ત મહિલાઓને સન્માનિત કરાઈ હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગીતા પટેલે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્ત્રી સશક્તિકરણના સંયુક્ત પ્રયાસોથી મહિલાઓને દરેક ક્ષેત્રે પ્રાધાન્ય મળી રહ્યું છે. મહિલાઓ પુરૂષ સમોવડી બની વિકાસની રાહ પર આત્મવિશ્વાસથી આગળ વધી રહી છે. પુરુષ વ્યક્તિગત રીતે શિક્ષિત થાય છે, જ્યારે એક શિક્ષિત મહિલા તેના પરિવાર અને સમાજને શિક્ષિત કરે છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રાદેશિક નિયામકશ્રી શ્વેતા પટેલે જેન્ડર ઈકવાલિટી વિષે વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્ત્રી અને પુરૂષ વચ્ચે સમાજ દ્વારા વહેંચાયેલી જવાબદારીઓ જાતીય ભેદભાવનું પરિબળ બને છે. જેથી આ અસમાનતાને દૂર કરવાનું કાર્ય સૌએ સાથે મળીને કરવાનો અનુરોધ કરતા તેમણે ડિજિટલ માધ્યમ અને ટેકનોલોજીના ઉપયોગથી આગળ વધવા સાથે સમાજમાં સ્ત્રીઓનું સન્માનની ભાવનાને વેગ આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ફાલ્ગુની દેસાઈ, પલસાણાના તાલુકા પંચાયત પ્રમુખ વૈશાલી પટેલ, જિલ્લા પંચાયત સભ્યો, મહિલા અને બાળ વિકાસ અધિકારીઓ બાબુ ગામીત તેમજ આઇ.સી.ડી.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર કોમલ ઠાકોર અને મોટી સંખ્યામાં લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત