
સુરત, 5 માર્ચ : માંડવી તાલુકાના પારડી ગામે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે પ્રાયોજના વહીવટદારની કચેરી માંડવી, ટ્રાઈબલ સબ પ્લાન-માંડવીના ઉપક્રમે ખેડૂતોની સિંચાઈ માટે રૂ.1.19 કરોડના ખર્ચે 70 જેટલા બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથોસાથ, ટ્રાઈબલ સપ્લાન કચેરી-માંડવીના લાભાન્વિત ખેડૂતોને કુલ રૂ.૯૭ લાખના તાડપત્રી, દવા છાંટવાનો પંપ અને કેરેટ જેવા સાધનોનું પણ આદિજાતિ મંત્રીના હસ્તે વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, આગામી પાંચ વર્ષમાં માંડવી તાલુકાનો એક પણ ખેડૂત બોર કે સિંચાઈ સુવિધાથી વંચિત ન રહે તેવું પાણીદાર આયોજન થઈ રહ્યું છે. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં આદિમ જૂથો અને હળપતિઓ માટે ખેતીવાડી વિકાસ, મકાન, કૃષિ સાધન સહિતની સુવિધાઓ અને લાભો આપવાનું આયોજન છે એમ જણાવી હળપતિઓની પાયાની છ સુવિધા સાથે મકાન ઉપલબ્ધ થાય એવા લક્ષ્ય સાથે સરકાર કામ કરી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2024માં કોઈપણ આદિવાસી ખેડૂત કે લાભાર્થી મકાનથી વંચિત ન રહે તે દિશામાં નક્કર કામગીરી થઈ રહી છે.

આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર-માંડવી બચુ ચૌધરી, તાલુકા પંચાયતના એસ.ઓ. સુનિલગામીત, તાલુકા પંચાયતના સભ્યો અનિલભાઈ, ટીએસપીના સભ્યો, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત