
સુરત, 7 માર્ચ : ડોનેટ લાઈફ એ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં દાન અંગે જાગૃતિ ફેલાવી અને બ્રેઇન ડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાન માટે સમજાવી તેમના અંગોનું દાન કરાવીને, જેમના ઓર્ગન ફેલ થયા છે તેવા દર્દીઓના જીવનમાં નવી આશા આપવાનો છે. વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે પોતાના પતિ અથવા બાળકોના અંગદાન માટે સહમતિ આપી, તેઓનું અંગદાન કરાવી જેમને ઓર્ગનની જરૂર છે તેવા દર્દીઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવનાર 21 મહિલાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ ડોનેટ લાઈફ દ્વારા યોજવામા આવ્યો હતો. જેમાં સુરત શહેરના ડેપ્યુટી પોલીસ કમિશનર હેતલ પટેલના વરદ્દહસ્તે આવી હિંમતવાન અને સંવેદનશીલ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ડોનેટ લાઈફ ના સ્થાપક અને પ્રમુખ નીલેશ માંડલેવાલાએ આ મહિલાઓને આવકારતા તેઓને વંદન…પ્રણામ… સલામ કરતા જણાવ્યું હતું કે તમારા નિર્ણય ને કારણે સેંકડો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળ્યું છે વર્ષ 2006માં કિડની દાન થી શરુ થયેલું આ અભિયાન લિવર, પેન્ક્રીઆસ, હૃદય, ફેફસાં અને હાથના દાન સુધી વિસ્તર્યું છે.
આ પ્રસંગે સન્માનિત જ્યોતિ શાહ અને વૈશાલી શાહે પોતાનો પ્રતિભાવ આપીને પોતાના સ્વજનોના અંગદાન કરવાના નિર્ણયની યાત્રા વર્ણવી હતી. આ સંવેદનશીલ પ્રતિભાવ યાત્રા આપતા ડોનેટ લાઈફને સેવાકિય કાર્ય કરવા બદલ અભિનંદન આપીને શુભેચ્છાઓ આપી હતી.

ડેપ્યુટી પોલીસ કમિશનર હેતલબેને આ 21 મહિલાઓને સન્માની અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે તમને બધાને હું નમન કરું છું, તમારું હૃદય ખુબજ વિશાળ છે. તમે તમારા પ્રાણપ્રિય સ્વજનના અંગદાન માટેની સહમતી આપી તેના કારણે ઘણા બધા પરિવારોમાં ઉજાસ ફેલાયો છે. આ કર્ણભૂમિ પર તમે કર્ણ કરતા સવાયા પુરવાર થયા છો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની આવી ઉજવણી દેશમાં કોઈ પણ શહેરોમાં નહિ થઇ હોય. લોકોનેનવજીવન આપનાર 21 મહિલાઓના સન્માનની આ પહેલ માટે તેઓએ ડોનેટ લાઈફ સંસ્થાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ડાયમંડ અને ટેક્ષટાઇલ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરને અંગદાનના ક્ષેત્રમાં તમારા અવિરત કાર્યને લીધે ઓર્ગન ડોનર સીટી તરીકેની નવી ઓળખ મળી છે.
ડોનેટ લાઈફ દ્વારા જાન્યુઆરી 2006માં સ્વ.જગદીશ શાહ નામના બ્રેઈનડેડ વ્યક્તિના કિડનીનું દાન સુરત થી કરાવવામાં આવ્યું હતું, ત્યાર થી ગુજરાતમાં અંગદાનની પ્રવૃતિના બીજા વવાયા હતા સ્વ.જગદીશભાઈ ના ધર્મપત્ની જ્યોતિ શાહ અને વર્ષ 2006મા સૌથી નાની વયના (સાડા ચાર વર્ષ) બાળક કુશાંગના અંગોનું દાન થયું હતું તેના માતા વીણા પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તદ્દઉપરાંત ગુજરાતમાં સૌ પ્રથમ વખત ફેફસાં, હાડકા અને સૌથી નાની ઉંમરના બાળકના બંને હાથનું દાન કરનાર પરિવારના સભ્યો તેમજ કિડની, લિવર, હ્રદય, ફેફસાં અને ચક્ષુઓના દાન કરનાર પરિવારજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે ડોનેટ લાઈફ અંગદાનની જનજાગૃતિ માટે છેલ્લા 18 વર્ષથી સેમિનાર, વર્કશોપ, વોકાથોન, સ્ટ્રીટ પ્લે, એક્ઝિબિશન પતંગોત્સવ, ગણેશ ઉત્સવ તેમજ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1073 અંગોનું દાન કરવામાં આવ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત