સુરત : નવી સિવિલ હોસ્પિટલ ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એકટ અંતર્ગત વર્કશોપ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 10 માર્ચ : પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એકટ અંતર્ગત રજિસ્ટર્ડ સંસ્થા/હોસ્પિટલ/ક્લિનિકોના વેરિફિકેશન તથા કાયદાના સઘન અમલીકરણ અન્વયે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષ જિનેશ ભાવસારના વડપણ હેઠળ નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ સેમિનારમાં તાલુકાના આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિનેશ ભાવસારે જણાવ્યું હતું કે, પોતાના ઘરમાં દીવો કરે તે દીકરો અને બીજાના ઘરમાં દીવો કરે તે દીકરી. દીકરો એક કુળ તારે છે, જ્યારે દીકરી તો બે કુળ તારે છે. દીકરી દીકરો એક સમાન છે. દીકરીઓનો જન્મદર વધે તે માટે સૌ કોઈને સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.

આ અવસરે ગાંધીનગરના માતૃ બાળ કલ્યાણના નાયબ નિયામક ડો. હર્ષદ પટેલે પી.સી એન્ડ પીએનડીટી એકટ હેઠળ મહિને એક વાર હોસ્પિટલોનું ફેસેલિટી ઇન્સ્પેકશન કરવાની હિમાયત કરી હતી. સમયાંતરે હોસ્પિટલના નોંધાયેલા સોનોગ્રાફી મશીનોનું ચેકિંગ કરવા, પીએનડીટી એકટના બોર્ડ તથા રિન્યુઅલની ચકાસણી કરવાનો અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે આંગણવાડી બહેનો, આરોગ્ય વર્કરોને આ બાબતે વધુમાં વધુ જાગૃત કરીને સ્ત્રી ભુણ હત્યા ન થાય તે માટે કાર્ય કરવા જણાવ્યું હતું. તેમણે તાલુકાના આરોગ્ય અધિકારીઓ, મેડીકલ ઓફિસરોને માતા અને બાળ મૃત્યૃદરમાં ઘટાડો કરવા અંગેના રચનાત્મક સુચનો કર્યા હતા.
વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ ઝુંબેશ હેઠળ દીકરીઓના જન્મદર વધારવા જનજાગૃત્તિ કેળવાય તે માટે સક્રિય પ્રયાસો કરવા જરૂરી છે. સોનોગ્રાફી મશીનની શોધ ઉપકારક બની છે, પરંતુ તેનો દુરૂપયોગ અટકાવવા માટે સમયાંતરે હોસ્પિટલની મુલાકાત લઇને ફોર્મ- એફ ફીલિંગ તેમજ ચકાસણી કરવાનો અનુરોધ કર્યો હતો. સુરત જિલ્લામાં 1358 સોનોગ્રાફી મશીનો નોંધાયેલા છે.

આ પ્રસંગે પીસી એન્ડ પીએનડીટી એકટના ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ ઓફિસર કેતન નકુમે હોસ્પિટલની મુલાકાત લઇને ફોર્મ- એફ ભરવા, કાયદા અને રૂલ્સની ચકાસણી કરવા બાબતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી માહિતી હતી. વર્કશોપમાં આસિ. આર.ડી.ડી.ડો.આર.એમ.જેસવાની, આર.સી.એચ.ઓ. પિયુષ શાહ, એ.ડીએચ.ઓ ડો.સુજીત પરમાર તેમજ મેડિકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *