સુરત : યાર્ન ઉપર જારી કરાયેલા કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાં સુધારાની માંગ કરશે ચેમ્બર ઓફ કોમર્સ

વેપાર જગત
Spread the love

સુરત, 10 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે શુક્રવારના રોજ બપોરે 2 કલાકે મિટીંગ મળી હતી. જેમાં ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ તેમજ પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ આશીષ ગુજરાતી, ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલર, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, ફિઆસ્વીના પ્રતિનિધિ રફીકભાઇ, કેટના પ્રતિનિધિ પુનમ જોશી, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ ગોંડલિયા અને સાઉથ ગુજરાત ટેક્ષ્ચ્યુરાઇઝર્સ વેલ્ફેર એસોસીએશનના સેક્રેટરી સુરેશ પટેલ તથા અન્ય યાર્ન ઉત્પાદકો અને આયાતકારો હાજર રહયાં હતાં.
મિટીંગમાં ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર, ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય દ્વારા સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિવિંગ અને નિટીંગ ક્ષેત્રે મોટા ભાગના રો મટિરિયલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા વિવિધ યાર્ન જેવાં કે પોલિએસ્ટર કન્ટીન્યુઅસ ફિલામેન્ટ યાર્ન, પોલિએસ્ટર પાર્શિયલી ઓરિએન્ટેડ યાર્ન (પીઓવાય), પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર, પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્ન તથા 100 ટકા પોલિએસ્ટર સ્પન ગ્રે અને વ્હાઇટ યાર્ન ઉપર કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. જેનું અમલીકરણ આગામી તા.3 એપ્રિલ, 2023થી થનાર છે.કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરના અમલીકરણ બાદ ઉપરોકત યાર્ન જેમાં બીઆઇએસ સર્ટિફિકેટ નહીં હોય તેનું ઉત્પાદન કરવું, આયાત કરવી, વહેંચણી કરવી કે વેચાણ કરવું, સંગ્રહ કરવું તથા વેચાણ કરવા માટે તેને પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ લાગી જશે. ત્યારબાદ જે કોઇ વપરાશકાર અથવા યાર્નના ઉત્પાદક અને ડીલર પાસે બીઆઇએસ વગરનું યાર્ન મળશે તો પ્રથમ વખત તેને રૂપિયા 2 લાખની પેનલ્ટી, બીજી વખત રૂપિયા 5 લાખ અને ત્યારબાદ પકડાય તો માલની કિંમતની દસ ગણી કિંમતની પેનલ્ટી ફટકારવાની સાથે બે વર્ષ જેલની સજાની જોગવાઇ કરવામાં આવી છે.
ઉપરોકત કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાં જણાવ્યા મુજબ બીઆઇએસ દ્વારા જારી કરવામાં આવેલા IS કોડ જેવા કે IS 17261:2022, IS 17262:2022, IS 17263:2022, IS 17264:2022, IS 17265:2022 માં દર્શાવેલા સ્પેસિફિકેશન તથા પેકીંગની મર્યાદા ઉદ્યોગકારોના મતે અવ્યવહારૂ છે. દા.ત. FDY યાર્નમાં સારી કવોલિટીના મટિરિયલ્સનું પેકીંગ 15 કિલો કે તેથી વધુ હોય તો એની સામે IS કોડમાં વધુમાં વધુ 11 કિલોનું પેકીંગ જ માન્ય ગણવામાં આવ્યું છે. ઘણા યાર્નમાં IS કોડમાં દર્શાવેલા ટોલરન્સ લિમિટ પણ વૈશ્વિક બજારોમાં AA કવોલિટીના માલ મળતા હોય તેની સાથે પણ સુસંગત નથી. સાથે જ શહેરના ઘણા યાર્નના ઉત્પાદકો દ્વારા બીઆઇએસ સર્ટિફિકેટ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ IS કોડમાં દર્શાવેલા વિવિધ ટેસ્ટીંગ મેથડ્સ અને આ મેથડ્સના પર્યાપ્ત ઉપકરણો હાલમાં મળતા નથી. આ ઉપકરણોની ડિલીવરી માટે દોઢથી બે વર્ષનો સમય લાગી શકે છે તેમ ઉદ્યોગકારોએ જણાવ્યું હતું.આવા સંજોગોમાં તા.3એપ્રિલ, 2023થી લાગુ થતા આ નિયમોના કારણે માર્કેટમાં પોલિએસ્ટર યાર્નની અછત વર્તાશે અને તેને કારણે લાખો વિવર્સને પોતાના ઉત્પાદન માટે યાર્ન મળી રહેશે નહીં તથા ઘણા ઊંચા ભાવે યાર્ન મળવાની સંભાવના છે. જેને કારણે ઘણા વિવિંગ એકમો સંપૂર્ણપણે બંધ થવાની અને તેની સાથે સાથે કારીગરો બેરોજગાર થવાનો ભય ઉદ્યોગકારોએ વ્યકત કર્યો હતો.
મિટીંગમાં ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, બીઆઇએસ દ્વારા આઇએસ કોડ બનાવવા માટે જે કમિટી બનાવી હતી એમાં યુઝર્સ ઇન્ડસ્ટ્રી તરફથી કોઇ પ્રતિનિધિ નહીં હોવાને કારણે આ આઇએસ કોડ થોડા અવ્યવહારુ બન્યા છે. આથી જાહેર કરાયેલા આઇએસ કોડમાં નંબર વન અને નંબર ટુ કવોલિટીનો તફાવત સ્પષ્ટ થવો જોઇએ અને વપરાશકારો બંને પ્રકારની કવોલિટી ઉપયોગમાં લઇ શકે તે અંગેનો ઉમેરો કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાં કરવામાં આવે. એના માટે ઉદ્યોગના હિતમાં યાર્ન વપરાશકારોને વિશ્વાસમાં લઇને આઇએસ કોડમાં સુધારો તથા ઉમેરો કરવામાં આવે.હાલના આઇએસ કોડ પ્રમાણે બીઆઇએસ સર્ટિફિકેટ ધરાવનાર ઉદ્યોગકારોનો માલ, વપરાશકાર પાસે પહોંચ્યા બાદ ફેરતપાસણી કરાતા જો આ માલ નિર્ધારિત આઇએસ કોડમાં જણાવેલા સ્પેસિફિકેશન પ્રમાણે નહીં હોય તો તેનો નિકાલ કેવી રીતે કરવો? તેની પણ ચોખવટ કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાં કરાઇ નથી, આથી તે અંગે પણ ચોખવટ કરવામાં આવે. જેથી વપરાશકારોનું હિત જળવાઇ રહે.ભારતમાં યાર્ન સપ્લાય કરનારી વિદેશી કંપનીઓ દ્વારા વર્ષ 2021 તથા વર્ષ 2022માં બીઆઇએસ ખાતે પોતાની એપ્લીકેશન આપી હોવા છતાં પણ તેઓની ફેકટરીઓમાં બીઆઇએસ દ્વારા ઇન્સ્પેકશન હાથ ધરાયું નથી. જેને કારણે તેઓને બીઆઇએસ માર્કા પ્રાપ્ત થયા નથી. આવા સંજોગોમાં પોલિએસ્ટર યાર્નની આયાત સંપૂર્ણપણે બંધ થવાની સંભાવના છે. જેને કારણે માર્કેટમાં તેની અછત થશે અને ભાવમાં ખૂબ જ મોટો ઉછાળો આવવાની સંભાવના છે. જેથી વેપાર – ધંધાના હિતમાં તથા વેપારીઓના હિતમાં ઉપરોકત કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરનું અમલીકરણ વધુ સમય માટે લંબાવવામાં આવે તેમજ તેમાં સુધારો અને ઉમેરો કર્યા બાદ જ તેને અમલમાં મુકવામાં આવે તેવી ઉદ્યોગકારોએ મિટીંગમાં માંગ કરી હતી.
આ સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ સુરતના ઉદ્યોગકારો ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને સાથે રાખીને નવી દિલ્હી ખાતે ભારતના કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ તેમજ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રી પીયુષ ગોયલ, ટેક્ષ્ટાઇલ સેક્રેટરી રચના શાહ અને ટેક્ષ્ટાઇલ કમિશનર રૂપ રાશીને રૂબરૂ રજૂઆત કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *