
સુરત, 10 માર્ચ : અનીસ-અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા દ્વારા આયોજિત અને વનિતા વિશ્રામ યુનિવર્સિટી મહિલા સેલ તથા ભારત વિકાસ પરિષદ-સુરત મેઈન મહિલા વિંગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ‘રિડિફાઈનિંગ વુમનહૂડ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ ક્ષેત્રે અદભૂત સિદ્ધિઓ મેળવનાર કિશોરીઓ અને નારીઓનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે અનીસ સંસ્થાના અધ્યક્ષ ગીતાશ્રોફે પ્રાસંગિક ઉદ્દબોધનમાં સ્ત્રીત્વની વિશેષતાઓ અને તેનું મહત્વ વર્ણવતા જણાવ્યું હતું કે, જીવનના તમામ રૂપમાં મહિલાઓ અભિનંદનને પાત્ર છે. સ્ત્રીશક્તિનું ઉદાહરણ આપતા તેમણે કાર્યક્રમમાં સન્માન પ્રાપ્ત કરનાર મહિલા અને કિશોરીઓને સમાજના શ્રેષ્ઠ ઉદાહરણરૂપ દર્શાવ્યા હતા.

મહિલા દિન વિશેષ ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં હાજર મહત્વકાંક્ષી કિશોરીઓનો ઉત્સાહ વધારી માર્ગદર્શન આપવા હેતુસર વિશેષ ઉપસ્થિતિ તરીકે ઇંડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ(ICSSR)નાં રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ.વંદના શર્મા ‘દિયા’ તેમજ વેટરન ઇંડિયન આર્મી ઓફિસર કેપ્ટ. મીરા દવેએ પ્રેરણાદાયી શબ્દો વડે સ્ત્રીમાં છુપાયેલી અમાપ માનસિક અને શારિરીક શક્તિનાં ઉદાહરણો આપી નારીશક્તિને બિરદાવી હતી.‘રિડિફાઈનિંગ વુમનહૂડ’ કાર્યક્રમમાં શિક્ષણ, યોગ, એડવેન્ચર, ખેતી જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રસિદ્ધિ મેળવનાર અદિતી અને અનુજા સિસ્ટર્સ, ધ્રુવી જસાણી, રબર ગર્લ અન્વી ઝાંઝરૂકીયા, લતા પટેલ, ભાવિક મહેશ્વરી અને મૈત્રી પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યુનિ.વાઈસ ચાન્સેલર ડો.દક્ષેશ ઠાકર, ડો. અભિલાષા અગ્રવાલ, પ્રો. સેની, રૂપિન પચ્છીગર, પ્રતિભા સોની, નીના દેસાઈ, ધર્મિષ્ઠા તાહિલરામણી, નિશા તલાટી, નિયતિ વિજ, જી.ડી.ગોએન્કા સ્કૂલ, વનિતા વિશ્રામ સ્કૂલના શિક્ષકો તેમજ અનિષ સંસ્થાના કાર્યકરો અને મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત