
સુરત, 12 માર્ચ : ભાજપા પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા નિલગીરી મેદાન ખાતે ધારાસભ્ય સંગીતા પાટીલના માર્ગદર્શન હેઠળ ભવ્ય રક્તદાન શિબિર તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં 2180 બોટલ રક્ત એકત્ર કરાયું હતું, તેમજ 25 હજારથી વધુ દર્દીઓએ વિવિધ રોગોના નિદાન અને સારવારનો લાભ મેળવ્યો હતો. આ અવસરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે એમના ધર્મપત્ની ગંગાબેન પાટીલ સાથે કેમ્પની મુલાકાત લઈને ટી.બી.ના દર્દીઓને પ્રોટીનયુક્ત કીટ અને આંગણવાડીઓના કુપોષિત બાળકોને સુપોષિત આહારકીટનું વિતરણ કર્યું હતું.

લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું કે, સાંસદના જન્મદિવસની ઉજવણી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી છે. કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમ સાથે આરોગ્યના વિવિધ વિભાગો પણ જોડાયા છે. જેમાં આંખ, કાન, નાક, ગળાની તપાસ, ગાયનેકોલોજીસ્ટ, સર્જરી, ત્વચારોગ, બાળરોગ, વિના મૂલ્યે આંખનું ઓપરેશન, સુગર ટેસ્ટ, દવાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.આ કેમ્પમાં સવારે 7 વાગ્યાથી જ રક્તદાતાઓએ રક્તદાન કરવા માટે લાઈનો લગાવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને લગતી તમામ કામગીરી કરી મોટી સંખ્યામાં લોકોને આયુષ્માન કાર્ડ, NFSA હેઠળ રેશનિંગ કાર્ડમાં નવા અનાજનો લાભ લેવાની સુવિધા આપવામાં આવી હતી. કેન્દ્ર-રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય મનુ પટેલ, સંદિપ દેસાઈ, સુરત શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ડે.મેયર દિનેશ જોધાણી, સ્ટેડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ, સિવિલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નવી સિવિલ ટીબી વિભાગના વડા પારૂલ વડગામા, બેન્કર હોસ્પિટલની ટીમ સહિત કોર્પોરેટરો, વોર્ડના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ,નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત