
સુરત, 12 માર્ચ : ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા સુરત શહેરના દયાળજી અનાવિલ કેળવણી મંડળ, મજુરાગેટ ખાતે તા.12 થી 16 માર્ચ સુધી આયોજિત પ્રાકૃતિક ખેતી પેદાશોના વેચાણ અને કૃષિ પ્રદર્શનમાં સુરતવાસીઓને કુદરતી પોષક તત્વો લોહ (આયર્ન) તથા કેલ્શિયમ જેવા તત્વો ધરાવતી નાગલી, અને નાગલીનો લોટ, લુપ્ત થતી દેશી ચોખાની જાતો જેવી કે આંબામોર, લાલકડા, દુધમલાઈ, ચીમનસાળ, બંગાળો, દેશી કોલમ, દેશી મગફળી અને વરઈ જેવા ધાન્યો ખરીદવાની સુવર્ણ તક સાંપડી છે.

ખાસ કરીને આજે પ્રદર્શનના પ્રથમ દિવસે સ્વાદરસિયા સુરતીલાલાઓને પોષકતત્વોથી ભરપૂર લાઈવ વાનગીઓ દાઢે વળગી છે. જેમાં નાગલીના ઢોકળા સુરતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેનો અનોખો સ્વાદ સુરતીઓને માણવા મળ્યો હતો. આ ઉપરાંત સુરતવાસીઓને આ પ્રદર્શનના માધ્યમથી ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના ઓળખસમા દેશી ડાંગી નાસ્તા ‘નાહરી’ અને પૌષ્ટિક ભોજન તેમજ ઓર્ગેનિક પદ્ધતિથી પકવવામાં આવેલ અને સ્વાસ્થ્યપ્રદ પોષક તત્વોથી ભરપૂર ખેતપેદાશો ખરીદવાની ઘરઆંગણે તક મળી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત