સુરત, 13 માર્ચ : કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બની ખેડૂતો સમૃદ્ધ અને સુખી બને એ માટે રાજ્ય સરકાર દ્વારા અમલી અનેકવિધ યોજનાનો લાભ લઈ ખેડૂતો ઉત્પાદન વધારી પોતાની આવકમાં વૃદ્ધિ કરી રહ્યા છે. આવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ડેડાણીયા, જેમણે સરકારની સહાયતાથી મધ ઉછેર કેન્દ્ર શરૂ કરી પોતાની આવકમાં મોટો વધારો કર્યો છે. તેમણે 400 પેટીઓથી વાર્ષિક 1200 કિલો મધનું ઉત્પાદન અને વર્ષે રૂ.15 લાખની આવક મેળવી રહ્યા છે. તેઓ ‘રામ રસ હની’ નામક પોતાની હની બ્રાન્ડથી રાજ્યમાં અને રાજ્ય બહાર શુદ્ધ મધનું વેચાણ પણ કરી રહ્યા છે.
સુરતના અડાજણ, હનીપાર્ક ગ્રાઉન્ડ ખાતે આયોજિત સરસ મેળામાં ભરતભાઈનો મધના વેચાણનો સ્ટોલ છે. તેઓ અમદાવાદ ખાદીગ્રામ ઉદ્યોગ ખાતેથી મધની ખેતી માટે તાલીમ લઈ સમૃદ્ધ બન્યા છે. તેઓ જણાવે છે કે, પહેલા પરંપરાગત પાકોની ખેતી કરતા હતા. જેમાં મળતી આવકથી સંતોષ ન હતો, અને મનમાં ખેતી ક્ષેત્રે કંઈક નવું કરવાનો ઉત્સાહ હતો. ગામમાં મધની પેટીની અવર-જવર જોતા મધની ખેતી કરવાનો વિચાર આવ્યો અને મધ ફાર્મની મુલાકાત લીધી હતી. મધની ખેતી કરવા માટે એક અનુભવી મિત્ર પાસેથી વિગતો મેળવી, ત્યારબાદ ખાદી ગ્રામ ઉદ્યોગ-અમદાવાદમાં એક વર્ષ મધઉછેરની વિશદ તાલીમ લીધી હતી.તાલીમ પૂર્ણ થઈ એટલે શરૂઆતમાં જ 50 પેટીમાં મધ ઉછેર કર્યું. એ સમયે બાગાયત વિભાગ દ્વારા મધ ઉછેર કેન્દ્ર માટે સરકાર તરફથી 50% સબસિડી મળવાપાત્ર છે એવી જાણકારી મળતા અરજી કરી અને તાત્કાલિક રૂ.1.30 લાખની સહાય પણ મળી. સતત પાંચ વર્ષની મહેનત બાદ હમણાં 400 પેટી મધ ઉછેર કરી રહ્યા છીએ. એક પેટીની બજાર કિંમત રૂ.5,000 છે. પ્રથમ વર્ષે 150 કિલો મધનું ઉત્પાદન મેળવ્યું હતું. એક કિલો મધની બજારકિંમત રૂ.500 થી 600 મળે છે. હાલ વાર્ષિક સરેરાશ 1200 થી 5000 કિલો જેટલું મધ ઉત્પાદન થાય છે. જેની વાર્ષિક અંદાજિત રૂ. 15 લાખ જેટલી કમાણી થાય છે. પાંચ વર્ષ પહેલા કરેલી શરૂઆત આજે સફળ થઈ રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
ભરતભાઈ વધુમાં જણાવે છે કે, મધની ખેતી માટે સરકાર ખેડૂતોને સબસિડી આપી રહી છે. મારા પત્ની જનક પણ આ ખેતીમાં મને મદદ કરી રહ્યા છે. મિશન મંગલમ યોજના અંતર્ગત રામ રસ હની સ્વસહાય જૂથ નામથી સખી મંડળ શરૂ કર્યું જેમાં મારી પત્ની પોતે તો આર્થિક ઉપાર્જન કરે જ સાથોસાથ અન્ય મહિલાઓને પણ પગભર થવામાં મદદરૂપ થઈ રહી છે.
ભરતભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રથમ મધ ઉત્પાદન કરતા ખેડૂત હોવાથી તેઓને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત તાલુકાના ‘બેસ્ટ ફાર્મર’નો એવાર્ડ આપી સન્માનિત કરાયા હતા. ઉપરાંત રૂ.10,000નો ચેક પણ આપવામાં આવ્યો હતો. ભરતભાઈ હાલ માસ્ટર ટ્રેઈનર તરીકે અન્ય ખેડૂતોને ટ્રેનિંગ પણ આપી રહ્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત