
સુરત, 13 માર્ચ : દાહોદ જિલ્લાના પુસરી ગામની જ્યોત સખી મંડળની બહેનો બામ્બુ અને મોતીમાંથી હેંડિક્રાફ્ટની વસ્તુઓ બનાવીને આત્મ નિર્ભર બની છે. મંડળીમાં 40 બહેનો કામ કરે છે જેમાં બહેનો ભણેલા નથી તેઓ પણ મંડળમાં જોડાઈને રોજગારી મેળવી રહ્યા છે. બામ્બુ અને મોતીની 50થી વધુ પ્રોડક્ટ બનાવે છે. જે રૂા.10 થી લઈને 1500 સુધીની વસ્તુઓ બનાવે છે. એક મહિલા મહિને 8 થી 10 હજાર સુધીની વસ્તુ બનાવે છે.

જ્યોત સખી મંડળના પ્રમુખ ચંચલ ઠાકોર જણાવે છે કે, અમો દાહોદ જિલ્લાના પુસરી ગામથી આવીએ છીએ. અમારો ટ્રાયબલ વિસ્તાર છે જ્યાંથી અમે 40 બહેનો ગ્રુપમાં કામ કરીએ છીએ. અમારા મંડળ દ્વારા લેમ્પ, મોતીના સેટ, ટી-કોસ્ટ, પેન સ્ટેન વગેરે વસ્તુઓ બનાવીએ છીએ. સરકાર દ્વારા જે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ સરસ છે, કોરોનાના સમયમાં જે તકલીફ પડી હતી પણ અત્યારે મેળાના માધ્યમથી અમે ખૂબ સારું વેચાણ કરીએ છીએ. તેઓ કહે છે કે, અમોને એક રેસ્ટોરન્ટના માલિકે અમોને રૂ. 1.65 લાખનો બામ્બુ લેમ્પ તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો છે. અમોએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે, સુરતના સરસ મેળામાં આવીને અમને આટલો મોટો ઓર્ડર મળશે. સરકારે અમોને સરસ મેળાનું પ્લેટ ફોર્મ આપ્યું છે જે બદલ જ્યોત સખી મંડળની બધી બહેનો ખૂબ આભાર માનીએ છીએ.

સુરત શહેરના અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ ખાતે આયોજિત સરસ મેળામાં બામ્બુ અને મોતી માંથી બનેલ ઘરેણાં, બામ્બુ લેમ્પ, લટકણા, તોરણ વગેરે 50થી વધુ વસ્તુઓના વેચાણ માટે સુરત આવેલા છે. ચંચલબેન છેલ્લા 15 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વસ્તુઓની બનાવવાનું તેમના પતિ પાસેથી શીખ્યા છે. આજે જ્યોત મહિલા મંડળના માધ્યમથી 40 બહેનોને રોજગારી આપી રહ્યા છે. બેન્ક ઓફ બરોડાના રૂરલ સેલ્ફ એમ્પ્લોય ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પ્રોગ્રામ થકી આખા ગુજરાત ભરમાં 2000થી વધુ બહેનોને તેઓ ટ્રેનિંગ આપી ચૂક્યા છે.જ્યોત સખી મંડળના ચંચલ બેન ઠાકોરને કુટીર અને ગ્રામોધ્યોગ દ્વારા હાથશાળા – હસ્તકલાના રાજ્ય કક્ષાના એવોર્ડમાં 2016માં ક્રાફ્ટના કામમાં મોતીકામ માટે દ્વિતીય સ્થાન સાથે એવોર્ડ પણ મેળવ્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત