સુરત : ‘સરસ મેળા’માં ભાગ લઈ રહેલા ત્રિપુરાના કારીગરોને મળ્યો સુંદર પ્રતિસાદ

સ્થાનિક
Spread the love

સુરત, 13 માર્ચ : ‘શૂન્ય માંથી સર્જન’ આ વિધાનને ચરિતાર્થ કરતી ત્રિપુરાના નાનકડા ગામની મહિલાઓ અનેક સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે. પ્રથમ વખત સુરત આવેલા અંજના દાસે સરસ મેળામાં ભાગ લઈ બાંબુની હેન્ડીક્રાફ્ટ બનાવટોનું વેચાણ રૂ.1.11 લાખથી વધુની કમાણી કરી છે. સ્વરોજગારી મેળવી પોતાના પરિવારને મદદ કરવા ઇચ્છતા અંજના દાસ અને તેમના જેવી અન્ય બહેનોએ સરકારની લાઇવલીહુડ મિશન યોજના અંતર્ગત બાંબુમાંથી બનતી વિવિધ પેદાશોની ટ્રેનિંગ લઈ 10 મહિલાઓનું એક મંડળની રચના કરી 2021થી વિવિધ મેળાઓ થકી વેચાણ શરૂ કર્યું.

         લકી એસ.એચ.જી મંડળમાં આ મહિલાઓ બાંબુમાંથી ગૃહ સુશોભનની વિભિન્ન બનાવટો બનાવે છે. જેમાં વોલ હેંગિંગ્સ, ફોટો ફ્રેમ, ફૂલદાની, ફળ-શાકભાજી બાસ્કેટ, ઘરેણાં, વાળની ક્લિપ્સ, કાંસકા, નાઈટ લેમ્પ, બેગ્સ જેવી અન્ય વસ્તુઓઓની સાથે જ ત્રિપુરાનો પારંપરિક આદિવાસી હેન્ડલૂમ પોશાક પણ તૈયાર કરી વેચાણ કરે છે. રૂા.30 થી શરૂ કરી રૂા.1500 સુધીની બનાવટો રાખતા અંજના દાસ અને તેમની ટીમ દ્વારા બાંબુ મેડ સ્ટીલ બોટલ પણ તૈયાર કરવામાં આવે છે. જે ઉચ્ચતમ કક્ષાની અને ટકાઉ હોય છે જે 1500ની કિમતે વેચાય છે. આ બોટલની બનાવટ માટે બાંબુને ઉકાળી તેને યોગ્ય આકાર આપવામાં આવે છે.
          પહેલી જ વાર સરસ મેળાનો ભાગ બનેલા લકી મંડળને સુરતમાં મળેલા અવિસ્મરણીય પ્રતિસાદથી તેમનો ઉત્સાહ બમણો થયો એવું જણાવતા ત્રિપુરા લકી મંડળના સ્ટેટ કો-ઓર્ડિનેટર ભૌમિક કહે છે કે, અહિનાં લોકો દ્વારા મળેલો આવકાર અને પ્રતિસાદ તેમની અપેક્ષાથી ઘણો વધારે અને આત્મવિશ્વાસ વધારનારો રહ્યો છે. વધુમાં તેમણે સરસ મેળાના આયોજન અને સત્કારિતાનાં વખાણ પણ કર્યા હતા. આમ રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અદના માનવીઓને વેચાણ માટેનું પ્લેટફોર્મ મળી રહે તે માટે સુરત જેવા મેગાસીટીમાં વિનામૂલ્યે સ્ટોલ, રહેઠાણ તથા મુસાફરી ભથ્થું સહિતની સગવડો આપવામાં આવે છે. સાચે જ સૂરતીઓએ વોકલ ફોર લોકલની ચીજવસ્તુઓની ખરીદી કરીને પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકારિત કર્યુ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *