
સુરત, 13 માર્ચ : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગામનું મધુરમ મંગલમ સ્વસહાય જૂથે સુરત ખાતે આયોજિત સરસ મેળામાં ‘નેલ એન્ડ થ્રેડ’ આર્ટથી આકર્ષણ જમાવ્યું છે. ‘નેલ એન્ડ થ્રેડ’ આર્ટ એટલે કે ખીલ્લી અને ખાસ પ્રકારના દોરા વડે લાકડાંના બોર્ડ પર વિવિધ આર્ટ ફોર્મ બનાવવામાં આવે છે. મંડળ સાથે જોડાયેલી મહિલાઓએ રોજબરોજના ઘરકામ બાદ હાથમાં હથોડી અને ખીલ્લી વડે આ આર્ટની મદદથી આત્મનિર્ભરતા તરફ ડગ માંડ્યા છે. બોરવાવ ગામના વર્ષા રૂપારેલિયાએ ખીલી અને દોરાની મદદથી કલાત્મક શો પીસ બનાવવાની શરૂઆત કરી અને અનેક બહેનોને પણ આ કલા શીખવાડી. આ કલા થકી ગામની બહેનો મહિને અંદાજે રૂ.10 થી 12 હજારની આવક મેળવતી થઈ છે.

સુરત શહેરના અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ ખાતે આયોજિત સરસ મેળામાં પોતાની કલાત્મક ચીજવસ્તુઓના વેચાણ માટે આવેલા શ્રીતા રૂપારેલીયાએ જણાવ્યું કે, હું અને મારા માતા વર્ષાબેન પરંપરાગત ખેતીના વ્યવસાયમાં પિતાને મદદ કરતા હતા. વર્ષ 2015માં બોરવાવની 10 બહેનો સાથે મળીને માતાએ ‘મધુરમ મંગલમ સખી મંડળ’ ની સ્થાપના કરી હતી. જેમાં ‘નેલ એન્ડ થ્રેડ’ આર્ટમાં ખીલી અને ખાસ પ્રકારના દોરાના ઉપયોગથી લાકડાંના બોર્ડ પર કલાત્મક શો-પીસ, પોસ્ટર તેમજ હેન્ડીક્રાફ્ટની ચીજો, માતાજીના પોસ્ટર, ફોટો, લોગો, નેમ પ્લેટ તથા કસ્ટમાઈઝ આર્ટની સાથે ગીરની લોક-સંસ્કૃતિ, વનનો રાજા સિંહ તેમજ ગુજરાતના પ્રખ્યાત મંદિરોની આર્ટ ફોર્મ આકૃત્તિ બનાવીએ છીએ. મંડળ સ્વરોજગારની તક સાથે મહિલાઓને આર્ટની વિનામૂલ્યે ટ્રેનિંગ આપે છે. આજે 30 બહેનો દ્વારા બનતી નેલ એન્ડ થ્રેડ આર્ટની ચીજોના પરદેશથી પણ ઓર્ડર મળી રહ્યા છે.

શ્રીતા રૂપારેલીયા વધુમાં કહે છે કે, રાજ્ય સરકારે ‘મિશન મંગલમ યોજના’ અમલમાં મૂકીને મહિલાઓને આર્થિક સક્ષમ બનાવવાની દિશામાં એક અભૂતપૂર્વ પગલું ભર્યું છે. અમને આ યોજનામાં એક લાખનું ધિરાણ મળ્યું છે. રાજ્યની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાના પ્રયાસ બદલ મધુરમ મંગલમ સ્વ-સહાય મંડળને અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ-2022 પણ મળ્યો છે, તથા અમદાવાદમાં યોજાયેલા ‘સરસ મેળા-2019ની બેસ્ટ ઈનોવેટિવ પ્રોડક્ટ તરીકે અમારા કલાત્મક પોસ્ટરની પંસદગી થઈ અને ઈનોવેટિવ પ્રોડ્ક્ટ એવોર્ડ મળતા મંડળની બહેનોને નવી ઉર્જા મળી હતી.દેશવિદેશથી આવતા પ્રવાસીઓ કલાત્મક ચીજોની ખરીદી કરે છે. જેમાં ગીરની શાન સમા એશિયાટિક લાયનના પોસ્ટરની ખૂબ માંગ રહે છે, આ પોસ્ટરોને અમે ફોરેન એક્સપોર્ટ પણ કરીએ છીએ. રાજ્ય સરકારના સરસ મેળાથી કલાત્મક વસ્તુઓના માર્કેટિંગ માટે પ્લેટફોર્મ મળ્યું છે.

પ્રયોગ, ગતિશીલતા અને પ્રાચીનતાને સાચવતી ભારતીય સંસ્કૃતિની ‘નેલ એન્ડ થ્રેડ’ કલા અન્ય મહિલાઓ માટે પ્રેરક છે. ‘સરસ મેળા’એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલ’ના વિઝનને ફેલાવવામાં મદદ કરી છે અને ગ્રામીણ વિસ્તારની બહેનોને મેળા થકી મહિલાઓ નવી ઉડાન ભરી રહી છે જેનું ઉત્તમ ઉદાહરણ મધુરમ સ્વ-સહાય જૂથ છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત