
સુરત, 31 માર્ચ : રામનવમીના પવિત્ર પર્વે ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. મૂળ ભાવનગરના ચૌહાણ પરિવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થયેલા પોતાના વ્હાલસોયા પુત્રના લીવર અને બે કિડનીનું મહાદાન કરીને માનવતા મહેંકાવી છે.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ ખાતે રહેતા (મૂળ. પીપરાળી,તા.ઉમરાળા જિ. ભાવનગર) 30 વર્ષીય યુવાન સુનિલભાઈ રાઘવભાઈ ચૌહાણ મહાદેવ કાર્ટીંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરીને આજીવિકા રળતા હતા. ગત તા27મીના રોજ રાત્રિના સમયે કીમ નજીક અણીતા, આર્યન સ્કૂલ પાસેથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે માર્ગ પર અચાનક ભૂંડ આવી જતા ડિવાઈડર સાથે અથડાયા હતા. જેથી માથાના ભાગે ગંભીર ઈજા થતા કિમની પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન 30મીના રોજ તબીબોની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના મહામૂલા અંગોના દાનથી જરૂરિયાતમંદને નવજીવન મળી શકે તેમ હોવાથી તેમના પરિવારજનોને ડો.નિલેશ કાછડીયા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સોટો ઓર્ગન ડોનેશનની ટીમ અને તબીબોએ અંગદાન અંગેની જાણકારી આપી.પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપતા જણાવ્યું હતું કે, અમારૂ સ્વજન આ દુનિયામાં નથી રહ્યું, પણ તે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેતા હોય તો અંગદાન માટે ખુશીથી આગળ વધો. સ્વજનના અંગોના કારણે અન્યને જીવનદાન મળશે.

દુઃખદ ઘડીમાં અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બનનાર નિર્ણય કરનાર આ પરિવારની સંમતિ આપતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. જેમાં આજ રોજ અમદાવાદની IKDRC-ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટરની ટીમ દ્વારા સુરત સિવિલ આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવરનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.

અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આમ, સુરત સિવિલમાં 20મું સફળ અંગદાન થયું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત