સુરત : ઈ-બાઈક માટે સબસિડી મેળવી વરાછાની વિદ્યાર્થીનીનું પોતાની બાઈક લેવાના સ્વપ્નને સાકાર કરતી રાજ્ય સરકાર

સ્થાનિક
Spread the love

સુરત, 31 માર્ચ : નાગરિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાધાન્ય આપતી રાજ્ય સરકાર પર્યાવરણની જાળવણી માટે પણ યોગ્ય દિશામાં પગલાં ભરી રહી છે. જેની સાબિતી આપતી ‘ઈ-બાઈક સહાય યોજના’ વિદ્યાર્થી વર્ગમાં લોકપ્રિય બની રહી છે. વિદ્યાર્થીઓની જરૂરિયાતોની સાથે પર્યાવરણની સુરક્ષાનો સુયોગ્ય તાલમેલ બેસાડતી ‘ઈ-બાઈક સહાય યોજના’ હેઠળ ધો.9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને લો-સ્પીડ ટુ વ્હીલર બાઈકની ખરીદી માટે રૂ.12,000ની સબસિડી આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની રહેલી આ યોજનાનો લાભ લઈ વરાછા વિસ્તારમાં રહેતી નિધિ રાજુ ગજેરાનું પોતાની બાઈક લેવાનું સ્વપ્ન સાકાર થયુ છે. 18 વર્ષની નિધિને ધો.12ના અભ્યાસ સમયે જ્યારે પેટ્રોલવાળી અને ઈ-બાઈક વચ્ચે પસંદગી કરવાની તક મળી ત્યારે ડાયમંડ ક્ષેત્રમાં નોકરી કરતાં નિધિના પિતાએ ઈ-બાઈકના અનેક લાભોથી માહિતગાર કરી તેને ઈ-બાઈકની પસંદગી કરવાની સલાહ આપી. વધુમાં નિધિએ સબસિડી, ન્યૂનતમ નિભાવ ખર્ચ, સ્પીડ કંટ્રોલ સેફટી ફીચર અને પર્યાવરણમાં માટે લાભકારી અને પ્રદૂષણના નિયંત્રણ જેવા મહત્વના ફાયદાઓ હોવાથી પેટ્રોલના બદલે ઈ-બાઈક પહેલી પસંદ બની હોવાનું જણાવ્યું હતું.
હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી નિધી રોજ 40 થી 50 કિ.મી બાઈકનો ઉપયોગ કરે છે જે માટે રોજ એક થી દોઢ કલાક સુધી બેટરી ચાર્જ કરતી હોવાનું તેણી જણાવે છે. તે કહે છે કે, ‘અગાઉ હું શાળાએ પગપાળા જ જતી હતી, પરંતુ બાઈક આવ્યા બાદ શાળા તેમજ ઘરપરિવારના કામો, શુભપ્રસંગોમાં પણ ઈ-બાઈકનો જ વપરાશ કરૂ છું.
બેટરી ચાર્જિંગ માટે વપરાતા વીજ યુનિટની વાત કરતાં તેમણે કહ્યું કે, બે મહિનાનાં વીજળીના બિલમાં માત્ર રૂ.500નો જ વધારો થયો છે, જે પેટ્રોલની સરખામણીએ નહિવત હોવાથી કોઈ આર્થિક ભારણ લાગતું નથી. બાઈકમાં 45 સુધીની સ્પીડ લોક હોવાથી સેફટીની ચિંતા પણ દૂર થઈ છે. રાજ્ય સરકારની સહાયથી નિધિને મળી રહેલી ઈ-બાઈકની સુવિધા માટે તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈનો તમામ વિદ્યાર્થીઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *