સુરત : ‘આદિવાસી પરંપરાગત વૈદુભગતો દ્વારા વૈદુ તથા ઔષધિય વનસ્પતિ પ્રદર્શન અને ઉપચાર મેળા’ને ખૂલ્લો મુકાશે

સ્થાનિક
Spread the love

સુરત, 31 માર્ચ : આયુર્વેદિક અને વાનસ્પતિક ઔષધિના ચાહક સુરતીઓને ડાંગ અને વલસાડના વૈદુભગતોની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળે તે હેતુથી સુરતમાં 2થી 8 એપ્રિલ દરમિયાન ઉમરા પોલીસ સ્ટેશન પાસે, એસ.એમ.સી.પાર્ટી પ્લોટ, અઠવાલાઈન્સ ખાતે શ્રી પછાત મહિલા વિકાસ મંડળ-ભાવનગર તથા શર્વરીસેતુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આદિવાસી પરંપરાગત વૈદુભગતોના વૈદુ તથા ઔષધિય વનસ્પતિ પ્રદર્શન અને ઉપચાર મેળો યોજાશે. આ મેળાને 2 એપ્રિલે સવારે 10:15 વાગ્યે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશપટેલની વિશેષ ઉપસ્થિતિમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવશે. અહીં 100 સ્ટોલ ઉભા કરાશે. 400 જેટલા આદિજાતિ ભાઈ-બહેનો, વૈદુ ભગતો ભાગ લેશે. વિધાનસભાના દંડક વિજય પટેલ પણ ઉદ્દઘાટન કાર્યક્રમમાં હાજર રહેશે. આ પ્રસંગે મેયર હેમાલી બોઘાવાલા, કલેક્ટર આયુષ ઓક સહિતના ઉપસ્થિત રહેશે.

સાત દિવસ સુધી ચાલનારા આ મેળામાં સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી 1,000થી વધુ વનસ્પતિઓના ઔષધીય ગુણોના પારખું એવા ડાંગ-આહવા અને વલસાડ જિલ્લાના નિષ્ણાંત વૈદ્યોના અનુભવનો લાભ મળશે. લોકો અનેક પ્રકારની બિમારીઓનો વાજબી દરે ઈલાજ કરાવી શકશે. સુરતવાસીઓ સેંકડો પ્રકારના ઓર્ગેનિક ધાન્યપાકો, ઔષધિય વનસ્પતિઓ અને પિઠોરા અને વારલી પેઈન્ટીંગ પ્રદર્શન નિહાળી શકશે.

શ્રી પછાત મહિલા વિકાસ મંડળ,ભાવનગરના પ્રમુખ ડો.જયશ્રી બાબરીયાએ વિગતો આપતા જણાવ્યું કે, સુરતમાં બીજી વાર વૈદુભગતોનો ઉપચાર મેળો યોજાશે. જેમાં ડાયાબિટીસ, વા, સાંધાના દુઃખાવા, સ્નાયુ, દમ, સ્થૂળતા, આધાશીશી, કિડની, પાચનતંત્ર, ચામડી, પાર્કિન્સન, અસ્થમા જેવા નાના-મોટા તમામ રોગોની સારવાર, ઔષધિઓ વાજબી દરે ઉપલબ્ધ થશે. અહીં ઔષધિય વનસ્પતિનું વેચાણ, ક્લિનિકલ મસાજ-સ્ટીમ બાથ સાથે ઓર્ગેનિક ફુડ ખાદ્ય-સામગ્રીનું પણ વેચાણ કરવામાં આવશે.આદિવાસી મહિલાઓના સખી મંડળ સંચાલિત ‘નાહરી કેન્દ્ર’ દ્વારા નાગલી બનાવટોના બિસ્કીટ, પાપડ, અડદ તથા મકાઈના ઢોકળા, વડા, રાગીનો શિરો, પાનેલા, કુલડીની ચા, ગ્રીન ટી, વાંસનું શાક-અથાણું, ભુરજી, શુદ્ધ મધ વગેરેના ફૂડ સ્ટોલ ઉભા કરાશે, જેમાં આદિજાતિ બહેનોના હાથે બનેલા ઓર્ગેનિક ધાન્યોના સ્વાદિષ્ટ વ્યંજનોનો લાભ લેવાની સુરતવાસીઓ માટે તક છે. સાથે આદિવાસી નૃત્યો અને કલાને માણવાનો મોકો સુરતીઓને મળશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *