પોલિએસ્ટર યાર્ન પર કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર તથા ફરજિયાતપણે બીઆઇએસ સર્ટિફિકેટનો અમલ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવ્યો

વેપાર જગત
Spread the love

સુરત, 1 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીના નેજા હેઠળ ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, ચેમ્બરના ડેપ્યુટી સેક્રેટરી (રજૂઆતો) પૌલિક દેસાઇ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ ગૌરાંગ ભગત તથા ટેક્ષ્ટાઇલના અન્ય ઔદ્યોગિક સંગઠનો સહિતના પ્રતિનિધિ મંડળે ગત 13 માર્ચ 2023ના રોજ નવી દિલ્હી ખાતે ભારતના કેન્દ્રિય હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તેમજ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રી ડો. મનસુખ માંડવીયાની રૂબરૂ મુલાકાત લઇ ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે પોલિએસ્ટર યાર્ન સંબંધિત પાંચ પ્રોડકટ પર 3 એપ્રિલ 20232થી અમલી થનારા કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર અને ફરજિયાતપણે બીઆઇએસ સર્ટિફિકેટના અમલીકરણને લંબાવવા રજૂઆત કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રાલયે ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે પોલિએસ્ટર યાર્ન સંબંધિત પાંચ પ્રોડકટ પર કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર જારી કર્યો છે. જેનો અમલ આગામી તા. ૩ એપ્રિલ ર૦ર૩ થી થનાર હતો. જો બે દિવસ બાદ કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરનો અમલ કરાયો હોત તો ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો તથા વેપારીઓ બીઆઇએસ સર્ટિફિકેટ વગર પોલિએસ્ટર યાર્નનું ઉત્પાદન, તેનું વેચાણ, આયાત તથા નિકાસ તેમજ તેને સંગ્રહ કરી શકયા ન હોત. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોત તો વેપાર – ઉદ્યોગ ઉપર તેની માઠી અસર પડી હોત.આથી ચેમ્બર ઓફ કોમર્સ તથા ફિઆસ્વી સહિતના પ્રતિનિધિ મંડળે ડો. મનસુખ માંડવીયાને પોલિએસ્ટર યાર્ન ઉપર કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર અને ફરજિયાતપણે બીઆઇએસ સર્ટિફિકેટના અમલને નવ મહિના સુધી લંબાવવા માટે રજૂઆત કરી હતી. કેન્દ્રિય મંત્રીએ જે તે સમયે ચેમ્બરના પ્રતિનિધિ મંડળને કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર અને ફરજિયાતપણે બીઆઇએસ સર્ટિફિકેટના અમલને લંબાવવા માટે આશ્વાસન આપ્યું હતું.
દરમ્યાન ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રાલય દ્વારા ગઇકાલે મોડી સાંજે આ સંદર્ભે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કરાયેલા ઉલ્લેખ મુજબ, ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે પોલિએસ્ટર યાર્ન ઉપર કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર તેમજ ફરજિયાતપણે બીઆઇએસ સર્ટિફિકેટના અમલને ત્રણ મહિના માટે લંબાવવામાં આવ્યો છે. આથી 3 એપ્રિલ 2023થી જે કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર અને ફરજિયાતપણે બીઆઇએસ સર્ટિફિકેટનો અમલ થવાનો હતો તે હવે આગામી 3 જુલાઇ 2023ના રોજથી થશે.ભારત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો તેમજ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. હવે તેઓ ત્રણ મહિના સુધીમાં બીઆઇએસ સર્ટિફિકેટ મેળવવા સુધીની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી વતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રી ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ મંત્રી પીયુષ ગોયલ, કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને સંસદ સભ્ય તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો ખાસ આભાર માન્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *