સુરત : ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર લેવાથી પરિવાર પર ટ્રાન્સપોર્ટેશન ખર્ચનું ભારણ ઘટ્યું

સ્થાનિક
Spread the love

સુરત, 3 એપ્રિલ :વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જની સમસ્યા કુદકે ને ભૂસકે વધી રહી છે. પર્યાવરણના જતન અને સંરક્ષણથી જ આ સમસ્યા ઉકેલી શકાય છે. પ્રદૂષણ ઘટાડવા માટે અને પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ આવશ્યક છે. વિશ્વના અનેક દેશો હવે પ્રદુષણરહિત સંસાધનોનો આવિષ્કાર કરી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે બેટરી સંચાલિત ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરની ખરીદી પર સબસિડી આપીને ઈ-વેહિકલના ઉપયોગ વધારવા કમર કસી છે. આ સબસિડીનો લાભ મેળવી સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા હપાણી પરિવારના વિદ્યાર્થી મેનિલ હપાણીને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરથી પેટ્રોલના ખર્ચમાંથી મુક્તિ તો મળી જ સાથોસાથ પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપવાની તક પણ મળી છે.


લાભાર્થી મેનિલે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ધો.12 સુધીના અભ્યાસ દરમિયાન સાયકલ લઈને જ શાળા-ટ્યુશન જતો. 18 વર્ષ પૂર્ણ થતા પરિવારે ગત દિવાળી પર બાઈક લઈ આપવાનું નક્કી કર્યું. મારી પાસે પેટ્રોલ બાઈક અને ઈલેક્ટ્રિક બાઈક લેવાના બે વિકલ્પ હતા. ટેલિવિઝનમાં માધ્યમ દ્વારા રાજ્ય સરકારની વિદ્યાર્થીઓ માટે ઈલેક્ટ્રીક બાઈક યોજના અંતર્ગત ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની ખરીદી પર રૂપિયા 12 હજારની સબસિડી મળે છે એવું જાણવા મળ્યું. સૌથી મહત્વની વાત મને એ લાગી કે ઈ-બાઈકથી પર્યાવરણ જાળવણી અને હવા પ્રદૂષણ ઘટાડવામાં હું પણ મારૂ યોગદાન આપી શકું છું એ માત્ર ઈ-બાઈક થકી જ શક્ય બનવાનું છે.સરકારની ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર રૂ. 12 હજારની સબસિડીનો લાભ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા અમારા ખાતામાં જ મળતા અમારા બજેટમાં બાઈક પણ મળ્યું અને આર્થિક રીતે પરિવારની સેવિંગ્સ પણ શરૂ થઈ ગઈ. પરિવાર પર ટ્રાન્સપોર્ટેશન ખર્ચનું ભારણ ઘટ્યું. તેમજ રૂ.10થી 15માં હું સમગ્ર દિવસની મુસાફરી કરી રહ્યો છું. અને એક વખત બેટરી ચાર્જિંગ કરવાથી 70થી 80 કિ.મી. બાઈક ચાલી રહી છે. એટલે પેટ્રોલ બાઈકની સરખામણીએ ઈલેક્ટ્રીક બાઈક લેતા મારી પોકેટ મનીમાં સારી એવી બચત થઈ રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દીર્ઘદ્રષ્ટિથી અમારા જેવા સામાન્ય પરિવાર માટે રાજ્ય સરકારે આ પ્રકારની વિદ્યાર્થીહિતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે, જેનો અમે સરળતાથી લાભ મેળવી રહ્યા છીએ એમ જણાવી મેનિલે રાજ્ય સરકાર પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *