સુરત : કેન્દ્રીય ટેક્સ્ટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે સાડીની થીમ પર સ્પેશિયલ હૅન્ડલૂમ એક્સપોનું ઉદ્ઘાટન

વેપાર જગત
Spread the love

સુરત : ભારત સરકારનાં ટેક્સટાઇલ મંત્રાલયના નેશનલ હૅન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએચડીસી) લિમિટેડ દ્વારા સુરત મહાનગરપાલિકાના સહયોગથી ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં, Smc પાર્ટી પ્લોટ ખાતે 11મી એપ્રિલ સુધી ત્રિ-દિવસ ચાલનારા સ્પેશિયલ હૅન્ડલૂમ એક્સપોનું કેન્દ્રીય ટેક્સ્ટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે ઉદ્‌ઘાટન કર્યું હતું. સુરતની મહિલાઓમાં ભારતના વિવિધ ભાગોમાંથી હૅન્ડલૂમ સાડીઓને પ્રોત્સાહિત કરવા માટે સાડી થીમ પર ખાસ હૅન્ડલૂમ એક્સ્પોનું આયોજન કરાયું છે. પ્રદર્શનમાં 11 રાજ્યોની 50 એજન્સીઓ ભાગ લીધો છે. ભાગ લેનારાઓમાં રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓ/સર્વોચ્ચ મંડળીઓ, પ્રાથમિક હાથવણાટ વણકર સહકારી મંડળીઓ/હાથવણાટની એજન્સીઓ સામેલ છે.

આ અવસરે મંત્રી જરદોશે જણાવ્યું હતું કે, હૅન્ડલૂમ ક્ષેત્ર આપણા દેશના સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. ભારતનું હૅન્ડલૂમ ક્ષેત્ર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 35 લાખ લોકોને રોજગારી આપે છે, જે દેશમાં કૃષિ ક્ષેત્ર પછીનું છે. હૅન્ડલૂમ વણાટની કળામાં તેની સાથે પરંપરાગત મૂલ્યો જોડાયેલા છે અને દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ જાતો છે. ચંદેરી, મધુબની, બનારસી, તુસાર સિલ્ક, જમદાની, બાલુચરી, કોસા સિલ્ક, પટોલા જેવાં હૅન્ડલૂમ ઉત્પાદનોની વિશિષ્ટતા વિશ્વભરના ગ્રાહકોને વિશિષ્ટ વણાટ, ડિઝાઇન અને પરંપરાગત ભાતો સાથે આકર્ષિત કરે છે.

મહિલાઓને પોતાની કલાકારીગરી શીખી શકે તે માટે 500 મહિલાઓને આર્ટિજન્સ કાર્ડ એનાયત કરાયા હતા. જેનાથી મહિલાઓને 45 દિવસની ટ્રેનિગ સાથે ભથ્થું પણ આપવામાં આવશે. જી-20માં આવનારા વિદેશીઓને હેન્ડલુમની વસ્તુઓ વધુ પસંદ કરી રહ્યા છે. ભારત પાસે રહેલા વૈવિધ્યસભર વારસાને વધુને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે દેશભરમાં એક્ષ્પોથકી હસ્તકલાકારોને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. આ અવસરે નેશનલ હેન્ડલુમ કોર્પોરેશનના એમ.ડી.રીટા રાજાણીએ આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાકારિત કરવા માટે એક્ષ્પો થકી હસ્તકલાકારોને પ્રોત્સહન માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો આપી હતી.

આ પ્રદર્શન 11 એપ્રિલ,2023સુધી ત્રણ દિવસ માટે સવારે 11થી સાંજના 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. પ્રદર્શનમાં ભારતના ૧૧ રાજયોમાંથી આવેલા કારીગરો દ્રારા ૫૨ જેટલા સ્ટોલ્સમાં કલાકારો દ્વારા હાથ બનાવટથી નિર્મિત સાડીઓ, હૅન્ડલૂમ ઉત્પાદનો પ્રદર્શિત અને વેચાણ માટે મૂકાયાં છે.

દેશભરની અવનવી સાડીઓ પ્રદર્શનમાં મુકાઈ

   પ્રદર્શનમાં બિહારની તુસાર, ગીચા, મધુબની પેઇન્ટિંગ સાડીઓ, છત્તીસગઢના કાંથા, આદિવાસી કાર્ય, કોસા સિલ્ક સાડીઓ, પંજાબની ફૂલકરી, ગુજરાતના પટોળા સાડી, ડબલ ઇકત, ટાંગલિયા, અશવલી સાડી, મધ્ય પ્રદેશની ચંદેરી સાડી, મહેશ્વરી સાડી, મહારાષ્ટ્રની તુસાર સિલ્ક ફેબ્રિક્સ, નાગપુર કોટન સાડી, ઓડિશાની ખાંડુઆ સાડી, બોમકાઇ સાડી, ઇકત સાડી, કોટપડ સાડી, ગોપાલપુર તુસાર સાડી, તેલંગાણા રાજયની પોચેમ્પલી સાડી, સિદ્દીપેટ ગોલાબમ્મા સાડી, નારાયણપેટ સાડી, ઉત્તર પ્રદેશની બનારસી, તાંચોઈ, જમદાની, જામાવર (બનારસી), રાજસ્થાનના લહેરિયા, ગોતા પટ્ટી, બંદિની, પશ્ચિમ બંગાળના બાલુચારી, કાંથા, તંગૈલ, જમદાની સાડીઓના વિવિધ સ્ટોલમાં પ્રદર્શન કમ વેચાણ માટે મુકવામાં આવ્યા છે.
    મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, મહિલાઓના સશકિતકરણ માટે સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. મેક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા જેવા કલા કૌશલ્યને લગતા ટ્રેનિગોથકી અનેકવિધ તાલીમ આપી આત્મનિર્ભર કરી રહી હોવાની વિગતો તેમણે આપી હતી. 
   આ અવસરે ધારાસભ્ય સંગીતા પાટીલ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, પૂર્ણિમાબેન, રાજ જોડિયા, પૂર્વ મેયર નિરંજન ઝાંઝમેરા, કિશોર મિયાણી, કિશોર બિંદલ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ, હસ્તકલાકારો ઉપસ્થિત રહ્યા હતા. 

જરીમાં નવીનતાસભર ઉત્પાદનો આકર્ષણનુ કેન્દ્ર બન્યા

     આ એક્ષ્પો પ્રદર્શનમાં ખાસ કરીને સુરતવાસીઓ પોતીકી સંસ્થા અમી ચેરિટેબલ ટ્રસ્ટનાં નવીન ઉત્પાદનોનો આકર્ષપ્રુપ બન્યા હતા. સુરત ટેક્સ્ટાઈલની સાથે સાથે જરી ઉદ્યોગ માટે પણ જાણીતું છે અને પ્રથમવાર જરીમાંથી વેલ્યુ એડિશન કરીને વિવિધ પ્રકારની ટ્રે, ફ્રેમ જેવી નવીન વસ્તુઓ પ્રદર્શિત થઈ રહી છે. જરીની આ વસ્તુઓ પહેલીવાર લૉન્ચ થઈ છે. આ ટ્રસ્ટ હૅન્ડલૂમ ક્ષેત્રે કાર્યરત છે અને હવે તે ઉત્પાદક કંપની બને છે. તેનાં એમડી ભાવના દેસાઇએ કહ્યું કે, ઉત્પાદક કંપની બનવાથી 400 મહિલાઓને હવે આર્ટિસન કાર્ડ મળવાની સાથે કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલય દ્વારા તાલીમ, ટૂલકિટ વિતરણ, આગામી પ્રદર્શન માટે સહાય વગેરેને લાભ મળશે. તેમણે કહ્યું કે આગામી તમિલ સંગમને ધ્યાનમાં રાખીને દક્ષિણ ભારતને ધ્યાનમાં રાખીને અમે જ્વેલરી સહિતની વિવિધ વસ્તુઓ બનાવી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *