માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ‘સાંસદ ખેલ સ્પર્ધા’ યોજાઈ

ખેલ જગત
Spread the love

સુરત, 10 એપ્રિલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા તથા રાજ્યસભાના સભ્યોને પોતાના મતવિસ્તારમાં ‘સાંસદ ખેલ સ્પર્ધા’નું યોજવાની પ્રેરણા આપી હતી, જેના ભાગરૂપે દેશના તમામ સાંસદો પોતાના મતવિસતારમાં ‘સાંસદ ખેલ સ્પર્ધા’ યોજી રહ્યા છે. ત્યારે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા દ્વારા ‘સાંસદ ખેલ સ્પર્ધા’ અંતર્ગત માંડવી સ્થિત માંડવી નગર પાલિકા ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ ક્રિકેટ ટુર્નામેન્ટ અને મહિલા રસ્સાખેંચ રમતોની સ્પર્ધા યોજાઈ હતી.

આ પ્રસંગે વસાવાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્યના યુવાનોને સ્પોર્ટ્સમાં અવ્વલ બનાવવા માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો, તે જ વિચારને મોટું સ્વરૂપ આપી ભારતભરમાં તેમણે ‘ખેલો ઇન્ડિયા’ કાર્યક્રમ અમલી બનાવ્યો છે. જેમાં રાષ્ટ્રીય સ્તરે હજારો યુવાનોમાં પડેલી સુષુપ્ત ખેલ પ્રતિભા બહાર આવી રહી છે. દેશના હોનહાર યુવાનોના ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ મળે, તેમને પુરતું માર્ગદર્શન મળી રહે તેના માટે કોચની સુવિધા તથા યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરૂં પાડવા માટે તેમણે સાંસદોને પોતાના જિલ્લાના મતવિસ્તારોમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવા આહ્વાન કર્યું હતું. જેને અનુસરીને આયોજિત આ સ્પર્ધાઓમાં સ્થાનિક યુવાનો અતિ ઉત્સાહભેર જોડાયા છે. યુવાનો રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા ઉજાગર કરી સિદ્ધિઓ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવું છું.

‘ સાંસદ ખેલ સ્પર્ધા ‘ માં મહિલા રસ્સાખેંચમાં 8 ટીમના મહિલા ખેલાડીએ ભાગ લઈ પોતાની ટેલેન્ટ પ્રદર્શિત કરી હતી. જેમાં તાપી જિલ્લાની મહિલા ટીમ વિજેતા થઈ હતી. સાંસદ ખેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 32 ટીમે ભાગ લીધો હતો.જેમાં માંડવી નગર અને મહુવા વિધાનસભાની ટીમ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં મહુવા ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. ટુર્નામેન્ટ મેન ઓફ ધ સિરીઝ થનાર ખેલાડીને સ્પોર્ટ બાઈસિકલ અને ટ્રોફી તેમજ મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર અને બેસ્ટ બેસ્ટમેનને ટ્રોફી આપી સન્માન કરાયું હતું.આ પ્રસંગે સુરત જિલ્લા સંગઠન મહામંત્રી દિપક વસાવા અને યોગેશ પટેલ સહિત ક્રિકેટ અને રમતપ્રેમી નાગરિકો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *