કોરોના વાયરસના સંભવિત સંક્રમણ સામે પૂર્વ તૈયારીના ભાગરૂપે સુરત જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 10 એપ્રિલ : સુરત જિલ્લામાં કોરોના વાઈરસના સંભવિત સંક્રમણને નિવારવા માટે જિલ્લા આરોગ્યતંત્ર સજ્જ બની સઘન આરોગ્યલક્ષી કામગીરી કરી રહ્યું છે, ત્યારે આજે કેન્દ્ર સરકારના સૂચન સંદર્ભે કોરોના સામે લડવાની તૈયારીના ભાગરૂપે સુરત જિલ્લામાં 59 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,14 સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, 342-પેટા આરોગ્ય કેન્દ્રો તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ સંબંધિત મેડિકલ સ્ટાફની ઉપસ્થિતિમાં આયોજિત મોકડ્રીલમાં ઓક્સિજન સપ્લાય, વેન્ટીલેટર મશીન, ઉપલબ્ધ બેડ, દવા પૂરવઠો, પી.પી.ઈ. કીટ, માસ્કની ઉપલબ્ધતા અને તેની કોરોના દર્દીઓની સારવારમાં જરૂરિયાત, આરોગ્ય સ્ટાફ તાલીમ/ઓરિએન્ટેશન અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.

સુરત જિલ્લાના બારડોલી તાલુકા સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ જિનેશ ભાવસાર, બારડોલી નગરપાલિકા પ્રમુખ ફાલ્ગુનીદેસાઇ, બારડોલી સીએચસી સુપ્રિટેન્ડન્ટ ડો.અવની પટેલ, સુરત જિલ્લા નોડલ ઓફિસર, જિલ્લા ક્વોલિટી એન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર, એપેડેમિક મેડિકલ ઓફિસર, બારડોલી તાલુકા હેલ્થ ઓફિસર ઉપરાંત તબીબી તજજ્ઞોની ઉપસ્થિતિમાં સફળતાપૂવક મોકડ્રીલ પૂર્ણ થઈ હતી.

નોંધનીય છે કે, રાજ્યની તમામ જિલ્લા હોસ્પિટલ, પેટા હોસ્પિટલ, સામુહિક/ પ્રા. આરોગ્ય કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, શહેરી આરોગ્ય કેન્દ્ર, સરકારી અને ખાનગી મેડિકલ કોલેજ તથા કોવિડ અંતર્ગત કામ કરતી તમામ પ્રાઈવેટ હોસ્પિટલોમાં આજે રાજ્યવ્યાપી મોકડ્રીલ યોજાઈ હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *