
સુરત : રાજ્યના તેજસ્વી, જરૂરિયાતમંદ અને યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ અને ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના’ તેમની શૈક્ષણિક કારર્કિદી અને ભાવિ વિકાસ માટે ખૂબ નિર્ણાયક અને ઉપયોગી સાબિત થઈ રહી છે તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો મળી રહે અને વાલી પર આર્થિક ભારણ ન આવે તે હેતુથી રાજ્ય સરકારે ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ અમલમાં મૂકી છે. પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે કુશળ બાળકોનું ભણતર અને તેમના સપનાઓ અધૂરા રહી ન જાય એ માટે MYSY યોજનામાં આવા બાળકોને ધો.10 અને 12 પછી ઉચ્ચ શિક્ષણ માટે ટ્યુશન, હોસ્ટેલ અને પુસ્તકો માટે આર્થિક મદદ આપવામાં આવે છે.MYSY યોજનાએ સુરતના વાઢેર પરિવારના ભાઈ-બહેનની જોડીના ઉચ્ચ શિક્ષણના સપનાઓ સાકાર કર્યા છે અને સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા સુરતના રત્નકલાકાર પિતાના આ બે બાળકોની ઉજ્જવળ કારકિર્દીની કેડી કંડારી આપી છે.
વરાછા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય ધારા અને 16 વર્ષીય મૃદુલ અનુક્રમે ડોકટરી અને ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે. ભરૂચની KMCRI મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલી 21વર્ષીય ધારા વાઢેરને ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’માં રૂ.4 લાખ અને કન્યા કેળવણી હેઠળ રૂ.8 લાખ મળી બે વર્ષમાં કુલ રૂ.12.34 લાખની સહાય મળી છે. જ્યારે તેના 16 વર્ષીય ભાઈ મૃદુલને ડિપ્લોમા ઈન કમ્પ્યુટર એન્જિ.ના અભ્યાસ માટે રૂ.25 હજારની સહાય મળી છે. આમ, MYSY અને કન્યા કેળવણી યોજનાએ સુરતના વાઢેર પરિવારના ભાઈ-બહેનની જોડીના ઉચ્ચ શિક્ષણના સપનાને પાંખો આપી છે.

ધારા જણાવે છે કે, મારા પિતા જયસુખ વાઢેર ડાયમંડ ફેક્ટરીમાં રત્નકલાકાર છે અને માતા ગૃહિણી છે. ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ થકી ધારાને પ્રથમ વર્ષે ટયુશન ફીના રૂ. 2 લાખ, પુસ્તકના રૂ.10 હજાર અને રહેવા-જમવાના રૂ.12 હજાર સહિત રૂા.2.22 લાખ મળ્યા હતા. અને આ યોજના સાથે જ દીકરીઓને મળતી કન્યા કેળવણીના દર વર્ષે રૂ.4 લાખ મળી પ્રથમ વર્ષે રૂ.6.22 લાખ અને બીજા વર્ષે પુસ્તક ફી બાદ કરતાં રૂ.6.12લાખ મળી કુલ રૂ.12.34 લાખની સહાય મળી છે
ધારાએ વધુમાં જણાવ્યું કે, તબીબી અભ્યાસમાં પહેલેથી જ રસ હોવાથી મહેનત કરી ધો.12 સાયન્સમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કર્યા હતા. ડોક્ટર બની સમાજસેવા કરવાનું મારૂ અને માતાપિતા, પરિવારજનોનું સપનું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ડોક્ટર બનીશ કે નહીં તેના પર પ્રશ્નાર્થ હતો. ત્યારે જ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં મળતી ઉપયોગી સહાયની જાણકારી મળી, જેમાં આર્થિક રીતે નબળા પરિવારના 80 ટકા કે તેથી વધુ પર્સન્ટાઈલ પ્રાપ્ત કરનારા તેજસ્વી બાળકોને યોગ્ય ધારાધોરણ પ્રમાણે સહાય આપવામાં આવે છે એવું જાણવા મળ્યું એટલે હિંમત આવી અને ગવર્નમેન્ટ ક્વોટામાં ભરૂચની KMCRI મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું. જ્યાં વાર્ષિક રૂ.6.85 લાખ ફી માંથી રૂ.6.12 લાખ સરકારી સહાય પ્રાપ્ત થઈ છે.
ધારાએ કહ્યું કે, યુવા સ્વાવલંબન યોજનામાં મારા ભાઈ મૃદુલને પણ ધો.10 બાદ ડિપ્લોમા ઈન એન્જિનિયરીંગના અભ્યાસ માટે ટ્યુશન ફીના 50 ટકા એટલે કે રૂ.25 હજાર સહાય મળી છે. અમને ભાઈબહેનને અભ્યાસ માટે મળેલી આર્થિક મદદ આશીર્વાદસમાન બની છે. હવે મારા અને ભાઈના ભણતર ખર્ચનો બોજ પિતા પર નહીં આવે. MYSY અને કન્યા કેળવણી યોજનાએ મારા રત્નકલાકાર પિતાને એકદમ નિશ્ચિંત બનાવ્યા છે.
સરકાર તરફથી મળતી યોજનાકીય મદદને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતાં ધારાએ કહ્યું હતું કે, મને ડૉક્ટર બનાવવાનું મારા માતા-પિતાનું સ્વપ્ન આજે રાજ્ય સરકારની મદદથી જ શક્ય બન્યું છે. હવે ડોક્ટર બન્યા પછી સરકારની સાથે રહીને સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર-સેવા કરીશ. રાજ્ય અને કેન્દ્ર સરકારની આ પ્રકારની કલ્યાણકારી યોજનાએ રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત