
સુરત,12 એપ્રિલ : વર્ષોથી કાચા મકાનમાં રહેતા મહુવા તાલુકાના કરચેલીયા ગામના શશિકલા નાયકાએ પોતાના કાચા ઘરને પાકા, મજબૂત ઘરમાં ફેરવવાનું સપનુ સેવ્યું હતું. તેમનું આ સ્વપ્ન ખરેખર સાકાર થયું જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમનું મકાન મંજૂર થયું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-સુરત દ્વારા મકાન બાંધકામ માટે રૂ.1.20 લાખની હપ્તાવાર સહાય મળતા ઘર બાંધવાનું અઘરું કામ તેમને સહેલું લાગવા માંડ્યું હતું. તેમજ મનરેગા યોજના હેઠળ 90 દિવસની રોજગારી મળી જેમાં રૂ.17,620 અલગથી આવાસ બાંધવા માટે મજૂરી પેટે મળ્યા હતા. સરકારની સહાય થકી શશિકલાબેન જેવી સામાન્ય મહિલા માટે ઘરના ઘર બનાવવાનું સપનું પુરૂં થયુ છે.

શશિકલા નાયકા જણાવે છે કે, પહેલા મારૂ ઘર કાચુ હતુ. માટીથી ચણતર કરેલું અને છાપરૂ દેશી નળીયા હોવાથી ચોમાસામાં વરસાદ વધુ પડવાથી ઘરની અંદર અને આજુ-બાજુ પાણી ટપકતું હતું. રહેવા માટે ખૂબ હાડમારીઓ વેઠી. હવે પાકું મકાન બની જતા દર વર્ષે ચોમાસાની ઋતુમાં વેઠવી પડતી મુશ્કેલીઓનું નિરાકરણ થયું છે. મને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની જાણકારી ગામના સરપંચએ આપી હતી. જેથી ફોર્મ ભરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-સુરત દ્વારા પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરવામાં આવ્યું હતું. અમોને પ્રથમ હપ્તા પેટે રૂ.30 હજાર એડવાન્સ મળ્યા હતા. મકાનની કામગીરી શરૂ કરી ત્યારબાદ મકાન લિન્ટલ લેવલ સુધી આવતા બીજા હપ્તા પેટે રૂ.50 હજાર મળ્યા હતા. ત્યારબાદ મકાનનું સંપૂર્ણ કામ પૂરૂ થતા હપ્તા પેટે રૂ.40 હજાર મળ્યા હતા. જેમાં મારા પતિ રમેશભાઈએ મજૂરી કરી બચાવેલી પુંજીમાંથી થોડા રૂપિયા ઉમેરી મકાનને વધુ સુવિધાયુક્ત બનાવ્યું છે.અમારા ગામમાં પાકું અને સુવિધાસજ્જ મકાન બનતા ગામમાં મોભો પણ વધ્યો છે. અગાઉ અનુભવેલી મુશ્કેલીઓનો હવે અંત આવ્યો છે. મારા પરિવાર માટે PM આવાસ તેમજ મનરેગા યોજના આશીર્વાદરૂપ નિવડી છે. સરકાર દ્વારા અમારા જેવા ગરીબ-વંચિત વર્ગના લોકોની દરકાર રાખીને અનેકવિધ યોજનાઓના લાભો આપવામાં આવે છે જે બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત