
સુરત, 17 એપ્રિલ : સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. મહત્તમ તાપમાન 40-41 ડિગ્રી નોંધાઈ રહ્યું છે અને 20થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે લુ ફૂંકાઈ રહી છે, ત્યારે કાળઝાળ ગરમીથી બચવા અને આકરા ઉનાળામાં સ્વાસ્થ્ય જાગૃત્તિ માટે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સિવિલના ઓડિટોરીયમ ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં હિટવેવથી બચવાના ઉપાયો, સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારસંભાળ માટે નર્સિંગ સ્ટાફ અને ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફને માહિતગાર કરાયા હતા.
આ પ્રસંગે સુરત સરકારી મેડિકલ કોલેજના પી.એસ.એમ.વિભાગના પૂર્વ અધિક આરોગ્ય નિયામક અને અર્બન હેલ્થ એન્ડ ક્લાઈમેન્ટ રેઝીલિયન્સ સેન્ટર ઓફ એક્સલેન્સના ઓનરરી ટેક્નિકલ ડિરેક્ટર ડો.વિકાસ દેસાઈએ જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાવધાની રાખવી એ જ સમજદારી છે. ગરમીના સમયે સ્વરક્ષણ અને આરોગ્ય અંગે કાળજી રાખવી ખૂબ આવશ્યક છે. ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કાળજી તેમજ સારવારની સાથે નર્સિંગ કેર મહત્વની બની રહે છે. સામાન્ય દિવસો કરતા ગરમીના સમયે દર્દીઓને નર્સિંગ કેરની વધુ જરૂર પડતી હોય છે. નર્સિંગ સ્ટાફ પોતાની નૈતિક જવાબદારી સમજીને સમગ્ર દિવસ દરમ્યાન દર્દીઓને દવાની સાથે સમયાંતરે પૂરતું પાણી આપવું જોઈએ. દર્દીઓએ તેમજ સામાન્ય જનતાએ ગરમીની પરિસ્થિતિમાં એર કન્ડીશન (એસી)માં રહેવાનું ટાળવું જોઈએ. ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા ન પીવા જોઈએ. શરીરમાં પૂરતી માત્રામાં પ્રવાહી રહે તે માટે વારંવાર પાણી પીવાનું ન ગમે તો નારિયેળ પાણી, લીંબુ શરબત, મીઠાવાળી છાશ, સંતરાનો રસ, ગ્લુકોઝનું પાણી ઈત્યાદિ લઈ શકાય. હળવા સુતરાઉ વસ્ત્રો અને શક્યત: હળવા સફેદ રંગના કપડાં પહેરો. ગરમીની સિઝનમાં લિનનના વસ્ત્રો તથા સુંવાળા મલમલના કપડાં અત્યંત આરામદાયક રહે છે. ગરમીમાં બહાર જતી વખતે ટોપી પહેરવી, મહિલાઓએ ઘૂંઘટ, ઓઢણીથી મોં ઢાંકવું જોઈએ, માથું ઢંકાય તે રીતે કે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.
આ પ્રસંગે તબીબ અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે અસહ્ય ગરમીથી બચવા સાવચેતી એ જ સલામતીનો અભિગમ અપનાવી હીટવેવથી બચવા માટે જાગૃત્તિ કેળવવા માટે આ સેમિનાર મહત્વપૂર્ણ બન્યો છે એમ જણાવ્યું હતું.
હીટવેવ સામે સાવધ રહેવા અને રક્ષણના પગલાઓ સંદર્ભે આ સેમિનારનું આયોજન ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, 108 એમ્બ્યુલન્સના રોશનભાઈ, નર્સિંગ કાઉન્સિલના સેક્રેટરી કિરણ દોમડીયા, લોકલ પ્રમુખ અશ્વિન પંડ્યા, જગદીશ બુહા સહિત નર્સિંગ સ્ટાફ, 108 એમ્બ્યુલન્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રીષ્મઋતુ- ઉનાળામાં આ રીતે કરો ‘હીટવેવ’થી સ્વબચાવ
ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીનયુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
ગરમીમાં ખાસ કરીને બપોરે ૧૨ થી ૩ વાગ્યા સુધી શક્ય હોય તો ઘરેથી બહાર જવાનું ટાળવું જોઈએ.
ભલે તમને તરસ ન લાગી હોય તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પીવા જોઈએ.
તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું નિયમિત સેવન કરવું જોઈએ.
હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.
બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલથી માથાને ઢાંકો.
હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો: જેમ કે, ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુ:ખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચવું જોઈએ.
તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરો અને દિવસ દરમિયાન નિયમિતપણે તેને લગાવતા રહેવું જોઈએ.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત