પોલીસ કમિશનર તોમરના અધ્યક્ષસ્થાને સુરત શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઈ

કાયદા-કાનૂન
Spread the love

સુરત,18 એપ્રિલ : સુરત શહેરની રોડ સેફટી કાઉન્સીલની બેઠક પોલીસ કમિશનર અજય તોમરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પોલીસ કમિશનરએ શહેરમાં બીઆરટીએસ અને સીટી બસો દ્વારા થતા અકસ્માતોને ધ્યાને લઈને ગફલતભરી રીતે ડ્રાઇવીંગ કરનારા બસ ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષોના કારણે સાઇનબોર્ડ ઢંકાઈ ગયા હોય સમયાંતરે વૃક્ષોનું ટ્રીમીંગ કરવા જણાવ્યું હતું. ટુંક સમયમાં બીઆરટીએસ અને સીટી બસોના ડ્રાઇવરોને અકસ્માતો અટકાવવાના આશયથી તાલીમ આપવામાં આવશે તેવી વિગતો નાયબ પો.કમિશનર(ટ્રાફિક)અમિતા વાનાણીએ આપી હતી.

પોલીસ કમિશનરએ વધુમાં કહ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના દબાણશાખા દ્વારા શહેરમાં કોઈ પણ જગ્યાએ દબાણ હટાવવાની કામગીરી માટે પોલીસ બંદોબસ્તની જરૂરીયાત ઉપસ્થિત થાય ત્યારે તે અંગેની માંગણી સ્પેશ્યલ બ્રાંચને કરવામાં આવે ત્યારે તત્કાલ તેઓને બંદોબસ્તની ફાળવણી કરવામાં આવશે. ભાટીયા ટોલનાકાથી હજીરા સુધીના નેશનલ હાઇવે પર સ્પીડ લિમિટના સાઈન બોર્ડ લગાવવા માટે હાઇવેના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. એસ.કે.નગર બ્રિજ નીચે ટ્રાફિકની સમસ્યા અંગે બન્ને સ્પાન ખુલ્લા કરવામાં આવ્યા છે અને 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાની વિગતો એસ.એમ.સી.ના અધિકારીએ આપી હતી. આ ઉપરાંત મેટ્રો ટ્રેનની કામગીરીને ધ્યાને લઈને સર્વિસ રોડ પરના દબાણો હટાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં એપ્રિલ માસ દરમિયાન ૨૬૯ જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા હોવાની વિગતો સંબંધિત અધિકારીએ આપી હતી.

સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 158 ટ્રાફીક સિગ્નલો પૈકી 50 સિગ્નલ શરૂ કરવામાં આવ્યા છે. જયારે બાકીના 118 મળી કુલ 276 સિગ્નલની કામગીરી શરૂ હોવાનું સંબધિત અધિકારીએ જણાવ્યું હતું. અકસ્માતોને ધ્યાને લઈ બી.આર.ટી.એસ. પરના ક્રોસીંગ પરના વૃક્ષોનું સમયાંતરે ટ્રીમીંગ કરવાની ગાર્ડન વિભાગને સુચના આપવામાં આવી હતી.આ બેઠકમાં સંયુકત પોલીસ કમિશનર ડી.એચ.પરમાર, નાયબ પોલીસ કમિશનર અમિતા વાનાણી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આકાશ પટેલ, હાઈવે તથા ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, માહિતી ખાતાના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *