
સુરત,18 એપ્રિલ : સુરત શહેર વિસ્તારમાં રહેતા થેલેસેમિયા પીડિત બાળકોને વર્ષ દરમિયાન રક્ત પુરું પાડવાની વ્યવસ્થા કરવાના હેતુથી સુરત શહેર પોલીસ અને પાંડેસરા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આયોજીત ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈ રકતદાન કર્યું હતું. જયારે પોલીસ કમિશનર અજય તોમરે પણ રકતદાન કર્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન 1008થી વધુ યુનિટ રકત એકત્ર કરાયું હતું. જેમાં નાગરીકો સાથે પોલીસ વિભાગના 85 જેટલા જવાનોએ પણ રક્ત દાન કર્યું હતું.થેલેસેમિયા એક એવો રોગ છે જેમાં દર મહિને વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે લોહી બદલવાની જરૂર પડે છે ત્યારે સુરત શહેરમાં વસતા 1400થી 1500 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વ્હારે આવી સુરત શહેર પોલીસે સામાજિક જવાબદારીના ભાગરૂપે એક અનોખી પહેલ ચાલુ કરી છે.

સુરત શહેર પોલીસની ઉત્તમ કામગીરીને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસ લોકોને સુરક્ષાની સાથે સ્વાસ્થ્ય પ્રદાન કરવાની ઉત્તમ વિચારધારા સાથે કાર્ય કરી રહી છે. આ વાતને ગૌરવભેર આગળ વધારતા તેમણે જણાવ્યું હતું કે, દર મહિને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિવિધ પોલીસ સ્ટેશનમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. વધુમાં તેમણે થેલેસેમિયાથી પીડાતા લોકોની દવા તેમજ ઇન્જેકશનની જરૂરીયાતને પહોંચી વળવા સતત કાર્યરત સરકારની કટિબદ્ધતા દર્શાવી હતી અને લોકોને પણ સમાજના જરૂરીયાતમંદોને મદદ કરવા તેમજ પોલીસ પરિવાર દ્વારા થતી કામગીરીને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમરે સુરતની પ્રજાના હકારાત્મક અભિગમ અને તેમના સહયોગની પ્રસંશા કરી હતી. પોલીસ વિભાગ દ્વારા કરાયેલા નવતર પ્રયોગને લોકોનો ઉત્તમ પ્રતિસાદ મળતા તેમણે હર્ષભેર જણાવ્યું હતું કે, પોલીસ અને પ્રજા વચ્ચેનાં સુયોગ્ય તાલમેલને પરિણામે કોઈપણ કામગીરીમાં શ્રેષ્ઠ પરિણામો લાવી શકાય છે. વધુમાં તેમણે હરહંમેશ પોલીસ દ્વારા પ્રજાના હિતમાં થતા કાર્યોની વિગતો આપી હતી.

આ અવસરે મેયર હેમાલી બોઘાવાલા, એડીશનલ પોલીસ કમિશનર કે.એન.ડામોર, નાયબ પોલીસ કમિશનર સાગર બાગમાર,પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસો.નાં પ્રમુખ કમલવિજય તુલસીયાન, SGTPA પ્રમુખ જીતેન્દ્ર વખારિયા, PIL ચેરમેન મહેશકબૂતરવાલા, પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત