
સુરત, 20 એપ્રિલ : દેશ અને દુનિયામાં ચર્ચાના એરણે ચડેલા રાહુલ ગાંધી માનહાની કેસમાં ગુરુવારે સુરત સેશન્સ કોર્ટમાં ચુકાદો હોઈને સૌની તેના પર નજર હતી. એડિશનલ સેશન્સ કોર્ટના જજે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે ‘સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ ડિસમિસ’.તેનો અર્થ એ થાય છે કે રાહુલ ગાંધીની બે વર્ષની સજા કોર્ટના આ ચુકાદાના કારણે યથાવત રહી છે. જોકે, કોર્ટના આ ચુકાદા બાદ બચાવપક્ષના વકીલે આ ચુકાદા અંગે જણાવ્યું હતું કે હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું.આમ, હવે આ મામલો હાઇકોર્ટમાં જવાનો છે.
ગુરુવારે સેશન્સ કોર્ટના ચુકાદા બાદ ફરિયાદી અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે સામાજિક અપમાનના કારણે અમે કોર્ટમાં આવ્યા હતા. અમે કોર્ટમાં ન્યાય માટે આવ્યા હતા અને અમને ન્યાય મળ્યો છે. બચાવ પક્ષ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. આ મેટર સબજ્યૂડિસરી મેટર હોઈને વધુ કઇં પણ કહી શકાય નહીં.
સેશન્સ કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીના જામીનઅને કોંગ્રેસના નેતા નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે સજા સામે મનાઈ હુકમ મળવાની અમને આશા હતી.આ ચુકાદાને લઇ અમે આવતીકાલે હાઇકોર્ટમાં જઈશું.આ મામલામાં ટીકા માત્રને માત્ર વડાપ્રધાન પર જ કરવામાં આવી હતી, કોઈ સમાજ પર નહીં. અમને હાઇકોર્ટમાંથી ન્યાય મળશે તેવી આશા છે.ફાઇનલ ચુકાદો ના આવે ત્યાં સુધી રાહુલ ગાંધીને જામીન મુક્ત કરાયા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત