
સુરત, 30 એપ્રિલ : સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટેનિયમ હોલ ખાતે સુરતના ‘લક્ષ્મી ડાયમંડ’ના 50વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વર્ણિમ મહોત્સવ યોજાયો હતો. સાથો સાથ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટના ત્રીસ વર્ષ પૂર્ણતાની પણ ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય વિભાગના મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ તેમજ રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, સાંસદ સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં સમાજસેવાની જ્યોત જલાવી જનસેવામાં યોગદાન આપનાર ગજેરા પરિવારના સભ્યોનું મંત્રીઓના હસ્તે સન્માન કરાયું હતું.

આ અવસરે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, ચાર-પાંચ ચોપડી ભણેલા સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાના સાહસિક લોકોએ સુરતની ધરતી પર ડાયમંડ ઉદ્યોગની શરૂઆત કરી નવા શિખરો સર કર્યા અને એમ.બી.એ., એમ.એ,એમ.કોમ. ભણેલી નવી પેઢીએ સુરતના હીરા ઉદ્યોગને વિશ્વ ફલક પર સ્થાન અપાવ્યું. હિમ્મત, કોઠાસૂઝ, ધીરજ અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો થાય સફળતા તમારા કદમો ચૂમે છે. ઉદ્યમ સાહસિકતા અને નવીન પહેલ કરવાની દ્રઢ ઈચ્છાશક્તિથી સફળતાના સોપાન સર કરી શકાય છે, આ વાતને ગજેરા પરિવારે સાબિત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલા ‘તમામ જિલ્લામાં મેડિકલ કોલેજ બને’ એ સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપવા અમરેલી જિલ્લામાં મેડિકલ કોલેજનો પાયો પણ આ પરિવારે નાંખ્યો છે. આવનાર સમયમાં બિઝનેસ ડેવલપમેન્ટ માટે પોતાની કંપનીને કાર્બન ફૂટપ્રિન્ટ ઝીરો કરવાનું વિઝન અને એક લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવાનો સંકલ્પ રાષ્ટ્રહિત માટે આવકાર્ય છે એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં રૂપાલાએ કહ્યું કે, ડાયમંડ ક્ષેત્રે ડાયમંડ ટ્રેડીંગ કંપનીના ‘ડીટીસી’ સાઈટહોલ્ડર બનવું એ કોઈ પરિવાર, હીરા ઉદ્યોગ ગૃહ સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારની પણ મોટી ઉપલબ્ધિ હોય છે. કર્ણની ભૂમિ સુરતમાં વાવેલા બીજ સફળતાનું વટવૃક્ષ બને છે. સંપત્તિને નેક કાર્યમાં, સમાજના ભલા અને દીન દુ:ખિયા, વંચિતો માટે ઉપયોગમાં લેવી એ આદર્શ સમાજસેવા છે. ગજેરા પરિવારે સેવાના ચીલે ચાલીને સંપત્તિનો સાર્થક ઉપયોગ કર્યો છે. સારી ઉપજ આપતા હોય છે. તેમ આપણી પાસે હોય તેમાથી સમાજને ગ્રીફ્ટ તરીકે આપવું એ પારિવારીક ભાવનાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે.
પૂર્વ ધારાસભ્ય અને ગજેરા પરિવારના વરિષ્ઠ સભ્ય ધીરુ ગજેરા, સામાજિક અગ્રણી વસંતભાઈ, ગિરધરભાઈ, ચુનીભાઈ, અશોકભાઈ, બકુલભાઈ ગજેરાની સેવાકીય પ્રવૃત્તિઓને તેમણે બિરદાવી હતી.

નોંધનીય છે કે, સમાજમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અને આરોગ્યની સેવાથી સંવેદનાની સુંગધ પ્રસરી છે. 1972માં લક્ષ્મી ડાયમંડની સ્થાપનાથી સ્વર્ણિમ મહોત્સવની ઉજવણી પ્રસંગે કંપની સાથે 30થી 40વર્ષથી વધુના સમયથી જોડાયેલા 1100થી વધુ પારિવારીક સભ્યો, કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે વર્ષ 1999થી 2006 સુધી સતત આઠ વર્ષ ભારતમાંથી હીરાના બીજા સૌથી મોટા નિકાસકાર તરીકે સિદ્ધિ મેળવનાર ગજેરા ડાયમંડને GJEPC એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય કાંતિબલર, મનુ પટેલ, સંગીતા પાટીલ, પ્રવિણ ઘોઘારી, સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈ, સુરત ઈન્કમટેક્સ કમિશ્નર હિતેષ મિશ્રા, સ્ટેડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ, અગ્રણીઓ ગોવિંદ ધોળકીયા, હરિ કથીરીયા, કાનજી ભાલાળા, કનુ દેસાઈ, લલિતરાદડીયા સહિત પારિવારીક સભ્યો, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત