
સુરત, 4 મે : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ઓલપાડ ડેપોને ફાળવવામા આવેલી નવી 6 મિની બસોને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ 6 મિની બસો દૈનિક 102 ગામોની 85 ટ્રીપ કરી 2312 કિમીનું અંતર કાપશે.

આ પ્રસંગે મંત્રીમુકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસની સાથોસાથ પરિવહન સુવિધાને પણ તેજ ગતિ મળી છે. રાજ્યના પ્રવાસીઓને એસ.ટી.નિગમની શ્રેષ્ઠ પરિવહન સુવિધા પૂરી પાડવાનો સરકારનો અભિગમ છે. ઓલપાડમાં દૈનિક ધોરણે 19 હજાર કિમીનું અંતર કાપીને મુસાફરોને ગંતવ્યસ્થાને પહોંચાડે છે. ઓલપાડના છેવાડાના ગામોમાં જાહેર પરિવહન સુવિધા વધે એ માટે 6 મિની બસો ઉપયોગી સાબિત થશે. ઓલપાડ તાલુકાના નાગરિકોને દર પૂનમે જલારામ મંદિર, વીરપુર જવા માટે અનુભવાતી સમસ્યાનું નિવારણ આવ્યું છે. હવે ઓલપાડથી વીરપુર જવા માટે દર પૂનમે બસ રવાના થશે, જેનું ઓલપાડ ડેપોએ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.જનતાની સુવિધા વધારતી બસોને જનતાએ જ સહિયારા પ્રયાસોથી સ્વચ્છ રાખવા ટકોર કરી હતી. ઓલપાડ ડેપોની જરૂરિયાત વધશે તો આગામી સમયમાં વધુ બસો ફાળવાશે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઈ, ઉપપ્રમુખ જશુ વસાવા, એસ.ટી.ડેપો વિભાગીય નિયામક પી.વી.ગુર્જર, ઈ.વિભાગીય પરિવહન અધિકારી ઓ.જી.સુરતી, ડેપો મેનેજર વી.આર.ગામીત, ટ્રાફિક ઇન્સ્પેકટર આર.ટી.સુરતી, ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ એમ.એન.મોદી, લાઈન-ચેકીંગ પીઆઈ પી.કે.ચૌધરી, અગ્રણીઓ સહિત એસ.ટી.ડેપોના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત