
સુરત, 4 મે : યુનિસેફના સહયોગથી નાયબ શ્રમ આયુક્ત કચેરીના સભાખંડ ખાતે બાળમજૂરી નાબૂદી અંગે એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. જેમાં તજજ્ઞોએ બાળશ્રમિકોને રેસ્ક્યૂ કરી શિક્ષણ સહિતની યોગ્ય દિશામાં વાળી તેમના જીવનધોરણમાં સુધારો, બાળમજૂરીના કેસોમાં પડતી મુશ્કેલીઓ અને તેનું નિવારણ, કાઉન્સેલિંગ દરમિયાનની કાળજી, કેન્દ્ર સરકારની બાળકલ્યાણ યોજનાઓ, ‘ચાઈલ્ડ લેબર ટાસ્કફોર્સ’ના સભ્યોનું ઉત્તરદાયિત્વ જેવા વિવિધ પાસાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વર્કશોપમાં યુનિસેફમાંથી સ્ટેટ કન્સલ્ટન્ટ બિનલ પટેલે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,બાળશ્રમિક બાળપણના મુક્ત ગગનમાં વિહરવાના બદલે પરિવારે સોંપેલી જવાબદારી નિભાવવા મજૂરીની ગર્તામાં ધકેલાઈ જાય છે. કલાકો સુધી કામ લીધા બાદ ઓછું વેતન આપી બાળકો શોષણ કરવામાં આવે છે. ભણવાની ઉંમરના કેટલાય બાળકો જોખમી ઔદ્યોગિક કામોમાં પણ લગાડી દેવાય છે. જેથી જનસમાજને ઢંઢોળવાનું કામ આપણાથી શરૂ કરી બાળ-મજૂરીને જડમૂળથી નાબૂદ કરવાના સરકારના પ્રયાસોમાં સહિયારૂ યોગદાન આપીએ.
સુરત શહેર મહિલા સેલના એ.સી.પી. મિની જોસેફે કાયદાકીય મૂંઝવણો બાબતે સમજ આપી હતી. વર્કશોપમાં નાયબ શ્રમ આયુક્ત(ચાઈલ્ડ લેબર) એમ.સી.કારીયા, ઈ.મદદનીશ શ્રમ આયુક્ત એસ.એસ.શાહ અને વિવિધ વિભાગોમાંથી આવેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

બાળમજૂરી આપણા સભ્ય સમાજની નબળાઈ
======================================
અશિક્ષિત અને ખાસ કરીને સ્લમ વિસ્તારમાં રહેતા પરિવારોના બાળકો બાળમજૂરી તરફ વળતા હોય છે, જેમાં તેમના માતાપિતાની ભૂમિકા પણ હોય છે. બહારના રાજ્યમાંથી સ્થળાંતરિત થઈને સુરત આવેલા શ્રમિક પરિવારોમાં બાળમજૂરી કરાવતાં હોય છે. આપણા સમાજની નબળાઈ સમાન બાળમજૂરીનું દૂષણને આપણા સમાજે જ દૂર કરવું જરૂરી છે. વર્ષ 2009માં શિક્ષણના અધિકાર કાયદા દ્વારા કેન્દ્ર સરકારે શિક્ષણને વિનામૂલ્યે અને ફરજિયાત બનાવ્યું છે. શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો બંધારણીય અને નીતિગત અધિકાર છે, ત્યારે બાળકોના બાળપણને મજૂરી કરાવીને છીનવી લેવાના બદલે તેમને શિક્ષિત બનાવી ઉજજવળ ભવિષ્યની ભેટ આપીએ તે ઈચ્છનીય છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત