
સુરત, 9 મે : પ્રધાનમંત્રી આવાસ યોજના તળે લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદસુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જેની સાબિતી છે ઓલપાડ તાલુકાના કારેલી ગામના વતની લક્ષ્મી બુધિયા રાઠોડ. ખેતમજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા રાઠોડ પરિવારને પી.એમ. આવાસ યોજના હેઠળ મકાન બનતા કાયમી આશરો મળ્યો છે.
લક્ષ્મીબેન અગાઉ કાચા ઘરમાં રહેતા હતા. ઘણા વર્ષોથી મૂડી બચાવી પાકું ઘર બનાવવા પ્રયાસો કરી રહ્યા હતા, પણ ઓછી આવક, નબળી આર્થિક સ્થિતિના કારણે મકાન બની શક્યું ન હતું. તેમના પરિવારના સભ્યોમાં તેમની 3 દીકરીઓ છે અને જેમાંથી 2 સાસરે રહે છે, અને 1 દીકરી અને ઘર જમાઈ એમ તેઓ 3 વ્યક્તિઓ આવાસમાં રહે છે. 20વર્ષથી કાચા ઘરમાં રહેતા હતા, વરસાદમાં ઘરમાં પાણી પડતું, જીવ જંતુઓનો ભય રહેતો હતો. આમ, તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પ્રધાનમંત્રી આવસ યોજના તળે તેમનું નામ યાદીમાં સમાવેશ થયું. સરકાર દ્વારા મકાન સહાય પેટે રૂ. 3 લાખ 50 હજાર મંજુર થતા સુખનો સૂરજ ઉગ્યો હોય એવી અનુભૂતિ થઈ હતી અને આ સહાયથી મકાન બાંધવું સરળ બન્યું હતું.

લક્ષ્મીબેને હરખાતા હૈયે જણાવ્યું હતું કે, મારા પરિવારનું પોતીકું ઘર હોવાનું સ્વપ્ન પરિપૂર્ણ થયું છે. પાકું ઘર મળતા હવે અમને કોઈ સમસ્યા નથી. ઘરમાં શાંતિથી રહીએ છીએ ચોમાસા ઉનાળામાં હવે કોઈ તકલીફ પડતી નથી. અમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવા બદલ રાજ્ય, કેન્દ્ર સરકાર તથા આવાસ યોજનાનો લાભ અપાવનાર સૌ કર્મયોગીઓના આભારી છીએ.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત