
સુરત, 9 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપક્રમે 8મી મેથી 16 મે, 2023 સુધી સાંજે 4 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ધો.12 પછી વિદ્યાર્થીઓ યોગ્ય દિશામાં કારકિર્દી ઘડી શકે તે હેતુથી તેઓને માર્ગદર્શન આપવાના હેતુથી ધો. ૧ર પછી શું ? વિષય પર કારકિર્દી માર્ગદર્શન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે સોમવાર, તા.8મે, ર૦ર૩ ના રોજ સાંજે 4 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે શિક્ષણ સર્વદા મેગેઝિનના તંત્રી જયેશ બ્રહ્મભટ્ટ દ્વારા ધો.12 પછી વિજ્ઞાન, કોમર્સ અને સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓને જુદા–જુદા ક્ષેત્રમાં કારકિર્દી ઘડતર માટે રહેલી અમૂલ્ય તકો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આજનો વિદ્યાર્થી તેની પસંદ–નાપસંદ વિષે ખૂબ જાગૃત છે, પરંતુ વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં કયા અભ્યાસક્રમોની વધુ માંગ રહેવાની છે તે જાણીને એ દિશામાં કારકિર્દિ બનાવવી જોઇએ. દેખાદેખી અને બીજાનું અનુકરણ કરવું તે બાબત પ્રેકટીકલી ઘણી અઘરી સાબિત થાય છે, આથી તેની કાળજી રાખીને આગળ વધવું જોઇએ. આજના સમયની વાત કરીએ તો સ્ટાર્ટ અપ અને આઈ.ટી. ક્ષેત્રે વિશાળ તકો ઉપલબ્ધ છે. આ બધામાંથી કઈ દિશામાં જવું અને તેના માટેનો નિર્ણય કેવી રીતે લેવો તેનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી ચેમ્બર દ્વારા કારકિર્દી માર્ગદર્શન મહોત્સવ યોજાયો છે.

વકતા જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, નોલેજ બધા પાસે હોય છે પણ નોલેજ એપ્લીકેશન કર્યા બાદ જ સફળતા હાંસલ થાય છે. કલ્પનાને હકીકતમાં રૂપાંતરિત કરવા માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સખત મહેનત કરવી પડે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, આથી વિદ્યાર્થીઓ એગ્રીકલ્ચર ફિલ્ડમાં પણ કારકિર્દી બનાવી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને વેટરીનરીમાં કારકિર્દી બનાવવા માટેના વિવિધ કોર્સિસ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.તેમણે વિશ્વમાં ચાલી રહેલા કરિયર ટ્રેન્ડ્સ જેવા કે રોબોટિકસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, ફાયર ટેક, ફાર્મસી અને ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. સાથે જ બાયો બેઇઝડ વિદ્યાર્થીઓને એમબીબીએસ, જેનેટિકસ, ફિઝીયો, બાયો ટેક, બાયો ઇન્ફોર્મેટિકસ અને બાયો કેમેસ્ટ્રી વિષે માહિતી આપી હતી. મેથેમેટિક બેઇઝડ વિદ્યાર્થીઓને ટેકનોલોજી, આઇસીટી/ઇસી, કોમ્પ્યુટર સાયન્સ, આઇ.ટી./બ્લોક ચેઇન, એરોનોટિકસ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને પેટ્રોકેમિકલ્સ વિષે જાણકારી આપી હતી. આ ઉપરાંત કોમર્સ બેઇઝ વિદ્યાર્થીઓને તેમણે વેલ્થ મેનેજમેન્ટ, કોમર્સ એન્ડ ટેક્ષેશન, માર્કેટીંગ એન્ડ બ્રાન્ડીંગ, બિઝનેસ ઇકોનોમિકસ, સાયબર સિકયુરિટી, લો અને ડિઝાઇનીંગમાં કારકિર્દી બનાવવા માહિતી આપી હતી. આ ઉપરાંત હયુમેનિટીઝમાં તેમણે ફોરેન લેન્ગ્વેજ, પોલિટિકલ સાયન્સ, સોશિયલ સાયન્સિસ, લિબરલ સાયન્સ, કંપની સેક્રેટરી, એચ.આર. મેનેજમેન્ટ અને હયુમન સાયકોલોજી વિષે જાણકારી આપી હતી.
ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે વકતાનો પરિચય આપ્યો હતો. ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી અને એસજીસીસીઆઇ એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન અમરિષ ભટ્ટ હાજર રહયા હતા. ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ એન્ડ યુનિવર્સિટી લાયઝન કમિટીના ચેરમેન અજિત શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. વકતાએ વિદ્યાર્થીઓ અને વાલીઓના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન મહોત્સવના ભાગ રૂપે બુધવાર, તા. ૧૦ મે, ર૦ર૩ ના રોજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક યુનિવર્સિટીની કોલેજોમાં ધો. ૧ર પછીની તકો વિષય પર સાર્વજનિક યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીઓ માર્ગદર્શન આપશે.ગુરુવાર, તા. 11મે,2023ના રોજ પી. પી. સવાણી યુનિવર્સિટી સંચાલિત કોલેજોમાં ધો. ૧ર પછીની તકો વિષય પર પી. પી. સવાણી યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીઓ માર્ગદર્શન આપશે.શુક્રવાર, 12 મે, 2023ના રોજ બારડોલી સ્થિત ઉકા તરસાડિયા (માલીબા) યુનિવર્સિટી સંચાલિત કોલેજોમાં ધો. 12 પછીની તકો વિષય પર ઉકા તરસાડિયા (માલીબા) યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીઓ માર્ગદર્શન આપશે.
શનિવાર, 13મે,2023ના રોજ ઓરો યુનિવર્સિટી સંચાલિત વિવિધ વિભાગોમાં ધો. 12 પછીની તકો વિષય પર ઓરો યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીઓ માર્ગદર્શન આપશે.સોમવાર, તા.15મે, 2023ના રોજ ભગવાન મહાવીર યુનિવર્સિટી સંચાલિત વિવિધ વિભાગોમાં ધો. ૧ર પછીની તકો વિષય પર ભગવાન મહાવીર યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીઓ માર્ગદર્શન આપશે.મંગળવાર,તા16મે, 2023ના રોજ વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી સંચાલિત વિવિધ વિભાગોમાં ધો. 12 પછીની તકો વિષય પર વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીઓ માર્ગદર્શન આપશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત