
સુરત, 12 મે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગર ખાતેથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ચ્યુઅલ રીતે હજારો લાભાર્થીઓને આવાસો અર્પણ કરાયા હતા. જેમાં સુરત શહેરના છાપરાભાઠા વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 616 લાભાર્થીઓને આવાસો એનાયત થયા હતા.

આ પ્રસંગે આવાસ મેળવીને અત્યંત ખુશી વ્યક્ત કરતા 40 વર્ષીય મેહુલ જયંતિ ટાંકે જણાવ્યું હતું કે, સરકારે અમારા ઘરના ઘર મેળવવાના સપનાઓ પુરા કર્યા છે. તેઓ છેલ્લા 19વર્ષથી સુરત શહેરમાં રત્નકલાકાર તરીકે હિરાના કારખાનામાં નોકરી કરી રહ્યા છે. અત્યાર સુધી અમે પતિ-પત્નિ અને દીકરી સાથે ઘણા વર્ષોથી ભાડાના મકાનમાં રહેતા હતા. ભાડાના મકાનમાં રહેતા હોવાથી તકલીફો પડતી હતી. ઘરમાં જયારે કોઈને માંદગી આવે ત્યારે ઘરનું ભાડું ભરવામાં અનેક મુશ્કેલી પડે ત્યારે મકાન માલિકનો ઠપકો અને ખરી-ખોટી વારંવાર સાંભળવી પડતી હતી. જેના કારણે વારંવાર એક મકાનમાંથી બીજા મકાનમાં અને ત્યાંથી ત્રીજા મકાનમાં ભાડે જવુ પડતુ હતું. જેના કારણે મારી દીકરી દિશાના અભ્યાસમાં પણ મુશ્કેલી પડતી હતી.અમારા જેવા ટુંકી આવકવાળા પરિવાર માટે સુરત શહેરમાં ઘર ખરીદવુ એ દિવાસ્વપ્ન સમાન હતું. એકવાર અખબારમાં જાહેરાત વાંચી ફોર્મ ભર્યું. લકી ડ્રોમાં મને મારા સ્વપ્નનુ ઘર મળ્યું છે. માત્ર રૂ.5.50 લાખમાં 35 ચો.મીટરનુ મકાન મળ્યું છે. આસપાસ આવા મકાનોની કિંમત રૂ.20થી 22 લાખ જેટલી ઉંચી છે. અમને જે મકાન મળ્યુ છે જેમાં પાર્કિગ, ગટરલાઈન સહિતની સુવિધાઓ સાથે માયવન ટેકનોલોજી સાથે મકાનોનુ નિર્માણ કરવામાં આવ્યું છે. જગ્યા પણ વિશાળ હોવાથી નાના-મોટા પ્રસંગો પણ ઉજવી શકીશું. સાચે જ આ સરકારે કાયમી આશ્રયસ્થાન આપ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ડબલ એન્જીનની સરકારના પરિણામે અમને સ્વપ્નનું ઘર મળ્યું છે જે બદલ જનકલ્યાણકારી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત