
સુરત, 12 મે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ‘અમૃત્ત આવાસોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)ના લાભાર્થીઓ માટેના આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. જેના ભાગરૂપે સુરત શહેરના છાપરાભાઠા વિસ્તાર ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડના રૂ.41 કરોડના ખર્ચે નિર્મિત થયેલા 616 જેટલા પ્રધાનમંત્રી આવાસોનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું હતું. જેમાં ઈ.ડબલ્યુ.એસ-1ના 336 અને ઈ.ડબલ્યુ.એસ-2ના 280 જેટલા અત્યાધુનિક સુવિધાયુક્ત કુલ 616 આવાસોનો સમાવેશ થાય છે.

આ અવસરે સ્થાનિક કોર્પોરેટર રાજેન્દ્ર પટેલ, અજીત પટેલ, વોર્ડ પ્રમુખ મુકેશ દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કરીને મોટી સંખ્યામાં ગરીબ પરીવારોને સસ્તાદરે આવાસો મળ્યા એ બદલ જનકલ્યાણકારી સરકારનો આભાર માન્યો હતો. આ અવસરે કોર્પોરેટર ભાવિશાબેન, કાર્યપાલક ઈજનેર પરમભાઈ રાંદેરી તથા મોટી સંખ્યામાં આવાસો મેળવનાર લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, છાપરાભાઠા ખાતે નવનિર્મિત આવાસોમાં સાત માળના કુલ 11 બ્લોક્સમાં પાર્કિંગ, આંતરિક રસ્તાઓ, લિફ્ટ તથા સટેરકેસ, ગટર અને પાણીની વ્યવસ્થા, સિક્યોરીટી કેબિન, ફાયર ફાયટિંગ સિસ્ટમ, અગાસી પર વોટર પ્રુફિંગ, લાઈટનિંગ અરેસ્ટર, સોલાર સિસ્ટમ, આપાતકાલીન પરિસ્થિતિઓ માટે ડિઝલ જનરેટર જેવી અત્યાધુનિક સુવિધાઓ સાથેના ઈ.ડબ્યુ.એસ.-1 અને ઈ.ડબ્યુ-2 આવાસો નિર્માણ થયા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત