
સુરત, 12 મે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી ‘અમૃત્ત આવાસોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)ના લાભાર્થીઓ માટેના આવાસ લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ સમારોહ અંતર્ગત લાભાર્થીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. જેમાં સૌથી પહેલા સુરતના લાભાર્થી દિપલ તરૂણ પટેલ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. વડાપ્રધાન સાથે સંવાદ કરીને દિપલબેનની ખુશી સમાતી ન હતી.

વડાપ્રધાને તેમને આવાસ મેળવીને ખુશ છો ને? એવું પૂછતાં તેમણે જવાબમાં ‘મોદી દાદાએ અમને સરસ મજાનું ઘર આપ્યું’ એમ મારી નાનકડી પુત્રી વિશ્વા અવારનવાર કહેતી રહે છે એમ જણાવ્યુ હતું, વડાપ્રધાન તેમની આ વાત સાંભળીને ખુશ થયા હતા, અને આવાસ મળવા બદલ દિપલને અભિનંદન આપ્યા હતા. વધુમાં વડાપ્રધાનએ તેમને આવાસ મળ્યું એ પહેલા ક્યાં રહેતા હતા, ઘરમાં સૌ ખુશ છે ને? ઘરમાં કેટલા સભ્યો છે? એવું આત્મીયતાથી પૂછ્યું હતું.

નાની વેડ વિસ્તારમાં રવજીફાર્મ પાસે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ નિર્મિત સુમન સારથિ આવાસમાં પરિવાર સાથે રહેતા મહિલા લાભાર્થી દિપલમૂળ ખેડા જિલ્લાના ડાકોરના વતની છે.તેણી ગૃહિણી છે અને તેમના પતિ તરૂણભાઈ પાવરટેક કંપનીમાં બેકઓફિસ કર્મચારી છે. તેમને સંતાનમાં એક પુત્રી છે.

દિપલ જણાવે છે કે, વડાપ્રધાન સાથે વાત કરવાની તક મને મળશે એવું મેં સ્વપ્નેય વિચાર્યું ન હતું. સરકારી યોજનાએ મને ઘરનું ઘર તો આપ્યું જ સાથે વડાપ્રધાન સાથે સંવાદ કરવાનો મોકો પણ આપ્યો એનું મને ગૌરવ છે. આ અગાઉ અમે વેડરોડ સ્થિત પ્રાણનાથ હોસ્પિટલ પાસે, કુબેરનગરમાં ભાડાના ઘરમાં રહેતા હતા. માસિક રૂ.5 હજાર ઘરભાડું ચૂકવતા હતા. આવકનો મોટો હિસ્સો ભાડું ચૂકવવામાં ચાલ્યો જતો હતો. સુરત ઔદ્યોગિક શહેર હોવાથી ઘરનું ઘર ખરીદવું અમારા પરિવાર માટે સ્વપ્ન સમાન હતું. પણ પી.એમ. આવાસ યોજનાએ મારા સ્વપ્નને હકીકતમાં બદલી નાંખ્યું.આજે સુમન સારથિ આવાસમાં ખૂબ સુખેથી રહીએ છીએ.મારી સાથેની વાતચીતમાં વડાપ્રધાનએ ખબર-અંતર પૂછ્યા હતા. તેઓ અમારા જેવા સામાન્ય લોકોની કાળજી લે છે અને ‘નવા આવાસમાં સુખચેનથી રહો, બાળકોને ભણાવી-ગણાવી તેમના ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરો, સરકાર તમારી સાથે છે’ એવો સધિયારો આપે છે એ તેમની સૌથી મોટી ખૂબી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત