
સુરત, 13 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપક્રમે તા.8મેથી 16 મે, 2023 સુધી સાંજે 4 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ધો.12 પછી વિદ્યાર્થીઓ યોગ્ય દિશામાં કારકિર્દી ઘડી શકે તે હેતુથી તેઓને માર્ગદર્શન આપવાના હેતુથી ધો. ૧ર પછી શું ? વિષય પર કારકિર્દી માર્ગદર્શન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગ રૂપે શુક્રવાર, તા.12 મે, 2023ના રોજ ઉકા તરસાડિયા યુનિવર્સિટીની શ્રીમદ રાજચંદ્ર ફિઝીયોથેરાપી કોલેજના પ્રોફેસર ડો. ભાવિક ઝવેરી અને આશા એમ. તરસાડિયા ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર કેયુર સુરતીએ ધો. ૧ર પછી વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે રહેલી અમૂલ્ય તકો વિષે માર્ગદર્શન આપ્યું હતું. આ મહોત્સવના આયોજન માટે ચેમ્બરની એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ એન્ડ યુનિવર્સિટી લાયઝન કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી છે.

પ્રાધ્યાપકોએ જણાવ્યું હતું કે, ધોરણ 12 પછી એ ગૃપમાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સમાં કારકિર્દી બનાવી શકે છે. આ ઉપરાંત મિકેનિકલ, સિવિલ, ઇલેકટ્રીકલ અને કેમિકલ એન્જીનિયરીંગ કરી શકે છે. એ ગૃપના વિદ્યાર્થીઓ બી.ફાર્મ કરી શકે છે. વિદ્યાર્થીઓ બી.એસસી. આઇ.ટી. અને ત્યારબાદ એમ.એસસી. આઇ.ટી.માં પ્રવેશ મેળવી શકશે.
પ્રાધ્યાપકોએ ફાર્મસી કોલેજના કોર્સિસ, પેરા મેડિકલ કોર્સિસ તેમજ એસીપીસી પર રજિસ્ટ્રેશન માટે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો વિષે વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી આપી હતી. તદુપરાંત વિદ્યાર્થીઓને ફિઝીયોથેરાપી, નર્સિંગ તેમજ બી.એસસી. બાયો ટેકનોલોજી, માઇક્રો બાયોલોજી તેમજ આર્કિટેકચર વિષે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં કરવામાં આવતા યુથ ફેસ્ટીવલ ઉપરાંત હોસ્ટેલ ફેસિલિટી, એમઓયુ, સેન્ટર ઓફ એકસલન્સ વિષે માહિતી આપવામાં આવી હતી.

ચેમ્બરની એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ એન્ડ યુનિવર્સિટી લાયઝન કમિટીના ચેરમેન અજિત શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને કાર્યક્રમની રૂપરેખા આપી સર્વેનો આભાર માન્યો હતો. બંને પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓ અને વાલીઓના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત