સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન : 7 વ્યક્તિઓને મળ્યું નવજીવન

સામાજીક
Spread the love

સુરત, 16 મે : વાપીમાં આવેલ બાયર કંપનીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો અને 220, દુંદ ફળિયા પ્રાથમિક શાળા પાસે, બોપી (તા. ધરમપુર જી. વલસાડ ) ખાતે રહેતો ઝવેર (ઉ.વ 29 ) તા.12મી મે ના રોજ ધરમપુર તાલુકામાં આવેલ ખામદાહાડ ગામે લગ્ન પ્રસંગ માં ગયો હતો. લગ્ન પ્રસંગ માંથી રાત્રે 1:30 કલાકે પોતાના ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે આંબાતલાટ થી હનમતમાળ ગામ તરફ જતા રોડ ઉપર પોતાના બાઈકમાં પેટ્રોલ ખલાસ થઇ જતા, પોતાની બાઈક સાઈડ પર મુકીને રસ્તા પર ઉભો હતો.ત્યારે એક અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ ગઈ હતી અને તે બેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક 108 એમ્બુલન્સમાં ધરમપુરમાં આવેલ સાંઈનાથ હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી, નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે તા.14 મે ના રોજ રાત્રે 10 કલાકે સુરતની કિરણ હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી, ફરી એક વખત CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો અને સોજો હોવાનુ નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોરે ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દુર કર્યો હતો.15 મે ના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અપેક્ષા પારેખ, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે ઝવેરને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.ડૉ. મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી ઝવેરના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલની સાથે રહી ઝવેરના પિતા કાકડભાઈ, બનેવી વિનોદભાઈ, કાકા કાળુભાઈ, બાપી ગામના આગેવાન ભરતભાઈ, સાળી કુંજનાને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.ઝવેરના પિતા અને પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે અમે વર્તમાન પત્રોમાં અને ડોનેટ લાઈફની યુટ્યુબ ચેનલ પર અંગદાનના સમાચારો જોતા હતા ત્યારે અમને થતું હતું કે, આ એક ઈશ્વરીય કાર્ય છે, મૃત્યુ પામ્યા પછી શરીર તો રાખ જ થઇ જવાનું છે, તેના કરતા અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ કોઈ દાન ન હોય શકે. એમ કહી તેઓએ પુત્ર ઝવેરના અંગદાન કરવાની સંમતી આપી. ઝવેરના પરિવારમાં તેના પિતા કાકડભાઈ ખેતી કરે છે, માતા રમીલાબેન અને પત્ની દિપીકા ગૃહિણી છે. તેને એક પુત્ર અને બે પુત્રી છે. એક પુત્ર અક્ષય ( ઉ.વ 7 ) બોપીમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરે છે, બે પુત્રીઓ પૈકી એક પુત્રી વિભૂતી ( ઉ.વ. 5 )બોપીમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરે છે અને બીજી પુત્રી નિકિતા ( ઉ.વ 3 ) છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અમદાવાદની U.N મહેતા હોસ્પીટલને, ફેફસાં અમદાવાદની K.D હોસ્પિટલને, લિવર અને કિડની સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.હૃદયનું દાન અમદાવાદની U.N મહેતા હોસ્પિટલના ડૉ. આશિષ મડાઈકર, ડૉ. સાગર સંહિતા, ડૉ. હેમાંગ ગાંધી, ડૉ. પ્રતિક શાહ અને તેમની ટીમે, ફેફસાનું દાન અમદાવાદની K.D હોસ્પિટલના ડૉ. મહેશ, ડૉ. મોઈઝ લાલાની, ડૉ. પ્રદિપ ડાભી, નિખિલ વ્યાસ અને તેમની ટીમે, લિવરનું દાન કિરણ હોસ્પીટલના ડૉ. પ્રશાંત રાવ, ડૉ. મિતુલ શાહ, કિડનીનું દાન ડૉ. જીગ્નેશ ઘેવરીયા ડૉ. કલ્પેશ ગોહિલ, ડૉ. પ્રમોદ પટેલ, ડૉ. મુકેશ આહિર અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન કિરણ હોસ્પિટલના ડૉ. સંકિત શાહે સ્વીકાર્યું.

સુરતની કિરણ હોસ્પિટલ થી અમદાવાદનું 266 કિલોમીટરનું અંતર 90 મીનીટમાં હવાઈ માર્ગે કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ હિંમતનગર, સાબરકાંઠાના રહેવાસી, ( ઉ.વ. 28 ) વર્ષીય યુવકમાં અમદાવાદની U.N મહેતા હોસ્પીટલમાં ડૉ. ચિરાગ દોશી અને તેમની ટીમ દ્વારા, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ રાજસ્થાનના રહેવાસી, ( ઉ.વ. 59 )વ્યક્તિમાં અમદાવાદની K.D હોસ્પિટલમાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ( ઉ.વ 62 )વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ. પ્રશાંત રાવ અને તેમની ટીમ દ્વારા, દાનમાં મેળવવામાં આવેલી બે કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી,( ઉ.વ. 51 ) વ્યક્તિમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરના રહેવાસી, ( ઉ.વ.42 ) વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે.
હૃદય અને ફેફસા સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે કિરણ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગને સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 97 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
સુરત થી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ છેતાળીસમી અને ફેફસાના દાન કરાવવાની અઢારમી ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં ઝવેરભાઈના પિતા કાકડભાઈ, બનેવી વિનોદભાઈ, કાકા કાળુભાઈ, બાપી ગામના આગેવાન ભરતભાઈ, સાળી કુંજના તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અપેક્ષા પારેખ, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલ, ડૉ. ભાવિન લશ્કરી મેડિકલ ઓફિસર ડૉ. મોઈન, ડૉ. દિવ્યા, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર ડૉ. અલ્પા પટેલ, આસીસ્ટન્ટ ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર સંજય ટાંચક, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, CEO નીરવ માંડલેવાળા, ટ્રસ્ટી હેમંતભાઈ દેસાઈ, કરણ પટેલ, રમેશભાઈ વઘાસીયા, કૃતિક પટેલ, ક્રીશ પટેલ, જગદીશભાઈ ડુંગરાણી, સની પટેલ, કિરણ પટેલ, ક્રીશ્નલ પટેલ, યોગેશભાઈ ઢબુવાલા, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિકસન ભટ્ટ, નિહીર પ્રજાપતિ, રોહન સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1130 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 468 કિડની, 201 લિવર, 46 હૃદય, 36 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ, 1 નાનું આતરડું અને 366 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1037 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

અંગદાન…જીવનદાન : ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો- https://www.donatelife.org.in/

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *