સુરત : અમરોલીના મધ્યવર્ગીય પરિવારના યુવાનને, ઈલેક્ટ્રીક બાઈક ખરીદી પર રાજ્ય સરકારની રૂ.12 હજારની સબસિડી મળી

સ્થાનિક
Spread the love

સુરત, 17 મે : રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણની જાળવણી થાય અને પ્રદુષણમાં ઘટાડો થાય તેવા આશયથી ધો.9થી 12ના વિદ્યાર્થીઓને, ઈ-બાઈક ખરીદી માટે રૂ.12,000 સુધીની સબસિડી આપતી યોજના અમલી છે. જેનો લાભ લઈને સુરત શહેરના અમરોલીના છાપરાભાઠા ખાતે રહેતા અને ધો.12માં અભ્યાસ કરતા કૃણાલ કટકીયાને ઈ-બાઈક ખરીદી પર માટે રૂ.12 હજારની સબસિડી મળી છે. ઈબાઈકના માલિક બની ખુશખુશાલ થયેલા કૃણાલ કટકીયા, પર્યાવરણ સંરક્ષણમાં પણ સહભાગી બનવાની તક મળી હોવાનું જણાવે છે.
રાજ્ય સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા અમલી ‘ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના’નો મુખ્ય હેતુ પર્યાવરણની સુરક્ષા સાથે પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર ઘટાડો કરવાનો છે. બેટરી સંચાલિત વાહનોનો વધુમાં વધુ વપરાશ થાય એ માટે રાજ્ય સરકારની ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી-GEDA દ્વારા આ યોજનાનું અમલીકરણ થઈ રહ્યું છે.

લાભાર્થી કૃણાલ જણાવે છે કે, ધો.11 પાસ કર્યા બાદ બાઈક લેવાનું વિચાર્યુ ત્યારે મારી પાસે ઇલેક્ટ્રીક અને પેટ્રોલ સંચાલિત બાઈક ખરીદવાના બે વિકલ્પ હતા. મારા ઘરની આર્થિક પરિસ્થિતીને ધ્યાને રાખીને ઈ-બાઇક ખરીદવાનું નક્કી કર્યું. આ બાઇકથી પ્રદુષણ પણ નથી થતું. પર્યાવરણની સુરક્ષા, નાણાની બચત થવા સાથે ઈંધણ ખર્ચ પણ નહિવત આવે છે. ડ્રાઈવિંગ લાઇસન્સની પણ જરૂર નથી, અને સ્પીડ પણ 40-50 હોવાથી અકસ્માતનો ભય રહેતો નથી. એક વખત સ્કુટર ચાર્જ કરવાથી 70 કિ.મી. સુધી ડ્રાઈવ કરી શકાય છે. એક વખત ચાર્જ કરવામાં એક યુનિટ વિજળીનો ઉપયોગ થાય છે, જેનો ખર્ચ માત્ર રૂ.5થી 10 જેટલો જ થાય છે. એટલે રૂ.200થી 250ના નજીવા ખર્ચમાં આખો મહિનો ઈ-બાઈક ચલાવી શકાય છે. આમ ગણીએ તો, પ્રતિ કિ.મી. બાઈક ચલાવવા માટે 11 પૈસાનો ખર્ચ થાય છે. જે હાલના પેટ્રોલ પ્રમાણે 10થી 12 ગણું સસ્તું પડે છે.રાજ્ય સરકારની આ યોજના થકી સબસિડી મળતી હોવાથી અમારા જેવા મધ્યમવર્ગીય પરિવારને બાઈકની ખરીદીમાં ઘણી રાહત મળી છે એમ જણાવતા કૃણાલ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે. તે કહે છે કે, હું રોજ ઈ-બાઈક લઈને શાળાએ જાઉ છું. ઘરની જરૂરી ચીજવસ્તુઓ, કરિયાણું, અન્ય સામગ્રી લેવામાં પણ સ્કુટર ખુબ મદદરૂપ થાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વિઝનથી આ યોજનાનો ઉમદા લાભ મારા જેવા હજારો વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે.
આમ, યુવાનોમાં ઈલેકટ્રીક બાઈકનો ક્રેઝ વધી રહ્યો છે. પેટ્રોલ સંચાલિત બાઈકના સ્થાને ઢગલાબંધ ફાયદાઓથી ઈ-બાઈક યુવા છાત્રોની પહેલી પસંદ બની રહી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *