
સુરત, 19 મે : ખેતીવાડી વિભાગ-સુરત, આત્મા પ્રોજેકટ-સુરત, ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ-ફુટ અને વેજીટેબલ ફેડરેશન બારડોલી અને મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડલી લી. બામણીયાના સંયુકત ઉપક્રમે મહુવા તાલુકાની વિનય નિકેતન ઉત્તર બુનિયાદી વિધાલય ખરવાણ ખાતે મિલેટ્સ આંતરરાષ્ટ્રીય વર્ષ 2023 અને પ્રાકૃતિક કૃષિ તાલીમનો કાર્યક્રમ મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં મહુવા તાલુકાના આશરે 500થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ માટેની જીવામૃત, ધનજીવામૃત જેવા પ્રાકૃતિક કિટ્સ નાશકો બનાવવાની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી. ખેતીવાડી વિભાગની સ્માર્ટફોન યોજના અંતર્ગત 65 લાભાર્થી ખેડૂતોને 3.90 લાખના સહાયના પ્રાથમિક મંજૂરીના ઓર્ડર ધારાસભ્ય મોહન ઢોડિયા તેમજ પ્રમુખમહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉધોગ મંડળી લી. બાંમણીયા અને સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા.

રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ‘મિશન મૉડ’ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખેડુતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તે માટે સુરત જિલ્લાના દરેક ગામોમાં જિલ્લાના ખેતીવાડી, બાગાયત, આત્મા, પશુપાલનના અધિકારીઓ માસ્ટર ટ્રેનરો સાથે પ્રાકૃતિક તાલીમ શિબિર યોજી રહ્યા છે.

ધારાસભ્ય મોહન ઢોડિયાએ પ્રાકૃતિક કૃષિ વિશે વાત કરતા જણાવ્યું કે, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ત્યારે આજે ગામડાના દરેક ખેડૂતો રાસાયણિક ખેતીથી દૂર રહી પ્રાકૃતિક ખેતી સમૃધ્ધિ અને લોકોના સુખી અને તંદુરસ્ત જીવન માટે અપનાવવી પડશે. જેના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતી માટે ખૂબ પ્રોત્સાહન આપી રહી છે. રસાયણમુકત ખેતી થકી પોતાના પરિવારની સાથે અન્ય લોકોને પણ સુયોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળી રહે તે માટે ખેડુતોએ નાના પાયે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અનુરોધ કર્યો હતો.વધુમાં તેમણે ખેડૂતોને તકલીફ ના પડે માટે મહુવા વિસ્તારમાં ઉધવહન સિંચાઈ યોજના થકી લોકોને પાણીની તકલીફ પડશે નહિ પડે એવુ જણાવ્યું હતું.

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉધોગ મંડળી લી. બાંમણીયાના પ્રમુખ માનસિંગ પટેલે જણાવ્યું કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તે પરીકલ્પના મુજબ ખેડૂતોની આવક ડબલ થાય તે માટે અને આપણી સંસ્થાના ખેડૂતોનું શેરડીનું ઉત્પાદન વધે તે માટે પાયલોટ પ્રોજેકટની અમલવારી કરી ખેડૂત શિબિરો અને ખેતી સ્ટાફ મારફતે રૂબરૂ માર્ગદર્શનના કારણે પાયલોટ પ્રોજેકટમાં જોડાયેલ ખેડૂતોના ઉત્પાદનમાં બમણો વધારો થયેલ છે.આ ઉપરાંત ટપક સિંચાય પધ્ધતિ, જમીન ચકાસણી, બાયોકંપોસ્ટ, વર્મીકંપોસ્ટ, પ્રવાહી જૈવિક ખાતરની ઉપલબદ્ધતા ખેડૂતોને સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી જેનો લાભ લઈ ખેડૂતો પગભર થયા છે. તાજેતરમાં રાજયપાલએ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રાસાયણિક ખેતીથી દૂર રહીને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કર્યું છે ત્યારે આપણે સૌએ આ અભિયાનમાં જોડાઈને ખેડૂતો આવકને બમણી કરી જમીનને પણ ફળદ્રુપ બનાવી સકીએ છીએ એમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ કુટ & વેજીટેબલ માર્કેટીંગ ફેડરેશન લીમીટેડ, બારડોલી રાજેશ પટેલ, સંયુકત ખેતીનિયામક, (વિ.) સુરત વિભાગના કે.વી. પટેલ, મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉઘોગ મંડળી લી. બામણીયાના ડિરેક્ટર તૃષારપટેલ, એન.જી.ગામીત નાયબ ખેતી નિયામક (તાલીમ), મહુવા તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્ર પટેલ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ, મહુવા સુગરના સભ્યો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત